ગાંધીનગર : રાજ્યમાં હજારોની સંખ્યામાં શિક્ષકોની ઘટ છે ત્યારે શૈક્ષણિક વર્ષ 2027-28 સુધીમાં લગભગ 28,000 જેટલા શિક્ષકો નિવૃત્ત થઈ રહ્યા છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગત અઠવાડિયે કોન્ટ્રકટ પર શિક્ષક ભરતી કરવાની જાહેરાત કરી છે. ત્યારે આજે શિક્ષકોની ભરતી બાબતે ગાંધીનગરનું વાતાવરણ તંગ બન્યું હતું જેમાં ટાટ ઉમેદવારો કે જે શિક્ષક બનવાની આશા સેવી રહ્યા હતા તેઓએ કોન્ટ્રાક્ટ સિસ્ટમનો વિરોધ કર્યો હતો, ઉપરાંત શાળામાં શિક્ષકોની ભરતી ન થવાથી શાળા સંચાલકોએ વિરોધ કર્યો હતો..
ટાટના ઉમેદવારોએ વિરોધ કર્યો: રાજ્ય સરકાર દ્વારા 11 જુલાઈના રોજ કોન્ટ્રાકટ પર ખેલ સહાયક અને જ્ઞાન સહાયક ભરતી કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના ટાટ ઉમેદવારોની સરકારી નોકરીના સપના પર પાણી ફરી વળ્યું હતું ત્યારે આજે 50 થી વધુ સંભવિત શિક્ષકો ગાંધીનગરમાં વિરોધ માટે આવ્યા હતાં.
રાજ્ય સરકારને આવેદન આપ્યું હતું કે 26,500 જ્ઞાન સહાયકોની કાયમી ભરતી કરવામાં આવે.શિક્ષકો બનવા માટે અમે છેલ્લા કેટલાય વર્ષોથી મહેનત કરી રહ્યા હતાં. પરંતુ રાજ્ય સરકારે જ્ઞાન સહાયક યોજના અમલમાં લાવતા રાત દિવસની મહેનત ઉપર અને અમારું સરકારી શિક્ષક બનવાનું સપનું રોળાઈ જશે...ટાટ પાસ ઉમેદવારો
રામ ધૂન કરીને વિરોધ કર્યો: વિરોધ કરવા આવેલા ઉમેદવારોને ગાંધીનગર પોલીસ દ્વારા અટકાયત કરીને એસપી કચેરી લઇ જવામાં આવ્યા હતાં ત્યાં ઉમેદવારોએ રામ ધૂન કરીને વિરોધ કર્યો હતો. જ્યારે ઉમેદવારોના આગેવાનોએ ત્યાંથી વિડીઓ વાઇરલ કર્યો હતો અને જણાવ્યું હતું કે સરકાર દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે તે રદ કરવામાં આવે અને કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરીને શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે, જ્યારે શિક્ષણ નીતિમાં પણ સ્પષ્ટ લખેલું છે કે તમામ શાળાઓમાં શિક્ષકો કાયમી હોવા જોઈએ તેમ છતાં પણ ગુજરાતમાં કેમ કોન્ટ્રાક્ટ પર ભરતી કરવામાં આવી છે તેવા પણ પ્રશ્નો ઉમેદવાર દ્વારા કરવામાં આવ્યા હતાં.
સંચાલક મંડળોનો શિક્ષક બાબતે વિરોધ: રાજ્યમાં શાળાઓમાં શિક્ષક ભરતી બાબતે શાળા સંચાલક મંડળોએ પણ વિરોધ કર્યો છે. જેમાં ગુજરાત રાજ્ય શાળા સંચાલક સંયોજક સમિતિના મુખ્ય સંયોજક પ્રિયવદન કોરાટે જણાવ્યું હતું કે અગાઉ રાજ્ય સરકારના શિક્ષણપ્રધાન સાથે ચર્ચા થયા છતાં પણ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના શિક્ષકોને અભાવે તકલીફ પડી રહી છે જ્યારે હવે કોઈ ઉકેલ ન આવતા શાળા ચલાવવી પણ ખૂબ મુશ્કેલ બની છે.
સરકાર સાથે ચર્ચા બેઠકના પણ 44 દિવસ પૂર્ણ થયા છે. તેમ છતાં પણ કોઈ હુકમ સરકાર દ્વારા કરવામાં આવ્યો નથી ત્યારે હવે ઉચ્ચતર માધ્યમિક શાળામાં ગ્રંથપાલ પ્રાયોગિક શિક્ષકો ઉદ્યોગ શિક્ષકો જેવા કર્મચારીઓની ભરતી કરવામાં આવે અને શાળામાં હાલમાં કોમ્પ્યુટરની ફી બે દસકાથી માસિક 50 રૂપિયા છે તેમાં પણ વધારો કરવાની માંગ કરવામાં આવી હતી. જો રાજ્ય સરકાર તાત્કાલિક માગ નહીં સ્વીકારે તો શિક્ષણના હિતમાં ઉગ્ર આંદોલન અને શાળા બંધ રાખવાના પણ નિર્ણય શાળા સંચાલક મંડળ દ્વારા કરવામાં આવશે...પ્રિયવદન કોરાટ(ગુજરાત રાજ્ય શાળા સંચાલક સંયોજક સમિતિના મુખ્ય સંયોજક)
આમ આદમી પાર્ટી કરશે વિરોધ: રાજ્ય સરકારના નિર્ણયનો વિરોધ કરવા આવેલા ટાટના ઉમેદવારોની ગાંધીનગર પોલીસે અટકાયત કરી હતી ત્યારે આ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ પણ વિરોધ કર્યો હતો અને આંદોલન કરવાની ચીમકી આપી હતી. રાજ્યના ઉમેદવારો પાંચ પાંચ વર્ષથી રાત દિવસથી શિક્ષકો બનવા માટે મહેનત કરી રહ્યા છે અને તેમની રાજ્ય સરકારે મજાક બનાવી છે ગાંધીનગરમાં તેના વિરોધ કર્યો હતો તો પોલીસ ને આગળ કરીને ભાજપ તેની અટકાયત કરે છે તેમને બોલવાનો પણ હક નથી વિરોધ કરવાનો પણ હક નથી ભાજપને તેઓએ ખૂબ મત આપ્યા પરંતુ ભાજપે તેઓને જેલના સળિયા બતાવ્યા છે. આમ રાજ્ય સરકાર જ્ઞાન સહાયક યોજના બંધ કરે નહીં તો આમ આદમી પાર્ટી ઉગ્ર આંદોલન કરશે...ઈશુદાન ગઢવી (આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ)
હું દિલ્હી છું પછી વાત કરું : ઋષિકેશ પટેલ આ સમગ્ર મામલે રાજ્ય સરકારના પ્રધાન ઋષિકેશ પટેલનો ટેલીફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો જેમાં પટેલે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે હું દિલ્હી છું અને દિલ્હીથી પરત ફરી રહ્યો છું અને બોર્ડિંગ પાસ કરાવી રહ્યો છું. તેમણે આ જવાબ આપ્યો હતો પણ સવાલ સાંભળવાની તસ્દી લીધી ન હતી.