ગાંધીનગર : મુંબઇની જીવાદોરી તરીકે લોકલ ટ્રેન ગણવામાં આવે છે તેવી જ રીતે ગુજરાત એસટી બસને પણ લોકોની જીવાદોરી તરીકે ગણવામાં આવે છે દિવસના હજારો લોકો નોકરી, રોજગારી અને શિક્ષણ મેળવવા માટે જાહેર વાહન વ્યવહાર વ્યવસ્થાનો ઉપયોગ કરતા હોય છે ત્યારે દૈનિક પ્રવાસીઓ માટે પાસની સુવિધા હોય છે. જેમાં આજે રાજ્યના એસટી વિભાગ દ્વારા ઇ પાસ સુવિધાની આજે જાહેરાત કરવામાં આવી છે. ઇ પાસ સાથે ઓફલાઈન સુવિધા પણ જીએસઆરટીસી દ્વારા યથાવત રાખવામાં આવી છે. વાહન વ્યવહારપ્રધાન હર્ષ સંઘવી દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.
શું છે ઇ પાસ : રાજયના GSRTC દ્વારા દૈનિક પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓ માટે પાસ સુવિધાઓ ઉપલબ્ધ છે જેમાં 30 દિવસ મુસાફરી કરો અને 15 દિવસનું ભાડું ચૂકવોની સ્કીમ છે. પણ આ પાસ લેવા માટે મહિને મહિને લાઇનમાં ઉભું રહેવું પડે છે. જેથી લાઈનમાં ઉભું રહેવું ન પડે તે માટે રાજ્યના GSRTC વિભાગ દ્વારા ખાસ ઇ પાસની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં પ્રવાસીઓ હવે ઓનાલાઇનના માધ્યમથી પેમેન્ટ કરીને ઇ પાસ ઇસ્યુ કરાવીને પોતાના મનપસંદ જગ્યાએથી પાસ મેળવી શકશે. જ્યારે આ ઇ પાસ ક્યુઆર કોડથી સજ્જ કરવામાં આવ્યો છે જેમાં કંડકટર QR કોડ સ્કેન કરીને 00 રૂપિયાની ટીકીટ આપશે.
ગુજરાત એસટી નિગમ દ્વારા ઇ પાસની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં 12 જૂન કન્યા કેળવણી ઉજવણીથી અમલીકરણ કરવામાં આવશે. અત્યારે હાલમાં ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓ અને દૈનિક મુસાફરો માટે લેવામાં આવ્યો છે અને હાલના સમયમાં 4,73,769 ગ્રામ્ય વિસ્તારોમાં અને 43,392 શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓ પાસધારક છે. જ્યારે દૈનિક મુસાફરોની વાત કરવામાં આવે તો હાલમાં કુલ 3,12,834 મુસાફરો પાસે પેપર પાસ ઉપલબ્ધ છે. જ્યારે આવનારા દિવસોમાં કોલેજના વિદ્યાર્થીઓ માટે અમલી કરવામાં આવશે...હર્ષ સંઘવી (રાજયકક્ષાના વાહન વ્યવહારપ્રધાન)
લાઇન લગાવવાથી મુક્તિ : વર્તમાન સમયમાં દૈનિક પાસ લેવા માટે મુસાફરોએ એક ફોર્મ લેવું પડતું હતું અને તેમાં ફોર્મમાં તમામ વિગતો ભર્યા બાદ પાસ ઇસ્યુ કરવામાં આવતા હતાં. આ સમય દરમિયાન પ્રવાસીઓને લાઈનમાં પણ ઊભું રહેવું પડતું હતું. પરંતુ હવે તો રોજિંદા પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓએ લાઈનમાં ઊભું રહેવું ન પડે તે માટે ઓનલાઈન પેમેન્ટ તેમજ વિદ્યાર્થીઓના એ વેરિફિકેશન થકી તાત્કાલિક ધોરણે આઈકાર્ડ અને પાસ મેળવી શકાય તે હેતુથી ચાલુ શૈક્ષણિક સત્રથી જ આ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે.
ઓનલાઈનમાં કઈ રીતે કરવાની અરજી : ઇ પાસ સિસ્ટમથી વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ પોતે જ કોમ્પ્યુટર અથવા તો મોબાઈલ થકી રજીસ્ટ્રેશન કરાવી શકશે અને ઓનલાઇન પેમેન્ટ કર્યા બાદ પોતાના પસંદ કરેલા સ્થળ ઉપરથી તેઓ પાસ મેળવી શકશે. જ્યારે વિદ્યાર્થીઓના કિસ્સામાં રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ સદર એપ્લિકેશનનું વેરિફિકેશન પણ જે તે શૈક્ષણિક સંસ્થા દ્વારા ઓનલાઇન કરવામાં આવશે. આમ જીએસઆરટીસીના સર્વરમાં શૈક્ષણિક સંસ્થાઓને પણ ઉમેરવામાં આવ્યા છે.