ગાંધીનગર : રાજ્યમાં બહુચર્ચિત રહેલી આ ઘટનામાં અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મોતીયાની સર્જરીમાં ગંભીર બેદરકારી માટે રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા 5 કરોડનો દંડ ફટકારાયો છે. આ સાથે સંપૂર્ણપણે દ્રષ્ટિ ગુમાવનારને 10 લાખ રુપિયા અને અંશત: દ્રષ્ટિ ગુમાવનારને પાંચ લાખ રુપિયાનું વળતર ચૂકવવા હોસ્પિટલને આદેશ કરવામાં આવ્યો છે.
અમરેલી જિલ્લા સ્થિત શાંતાબા કોલેજમાં મોતીયાની સર્જરી માટે દાખલ દર્દી સાથે થયેલ બેદરકારી બદલ આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી કરી છે. રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા શાંતાબા મેડિકલ કોલેજ અને હોસ્પિટલને આ ગંભીર બેદરકારી અને ગેરરીતિ બદલ 5 કરોડનો દંડ ફડકારવામાં આવ્યો છે. રાજ્યના એક પણ નાગરિકના આરોગ્ય સાથે ચેડા કરનાર હોસ્પિટલ સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે...ઋષિકેશ પટેલ (આરોગ્યપ્રધાન)
12 દર્દી અસરગ્રસ્ત બન્યાં હતાં : ઉલ્લેખનીય છે કે અમેરલીમાં બનેલી આ ઘટનામાં કુલ 12 જેટલા દર્દીઓ શાંતાબા મેડિકલ કૉલેજની બેદરકારીનો ભોગ બન્યા હતાં. આ દર્દીઓ પ્રત્યે માનવીય અને સંવેદનશીલ અભિગમ દાખવીને સંપૂર્ણપણે દ્રષ્ટિ ગુમાવનારને 10 લાખ જ્યારે અંશત: દ્રષ્ટિ ગુમાવનાર દર્દીને પાંચ લાખ રુપિયાનુંં વળતર ચૂકવવાનો આરોગ્ય વિભાગ દ્વારા શાંતાબા હોસ્પિટલને આદેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત હોસ્પિટલની બેદરકારીનો ભોગ બનેલા અને સધન સારવારના અંતે દ્રષ્ટિ પાછી મેળવી હોય તેવા દર્દીને 2 લાખ રુપિયા ચૂકવવાનો આદેશ પણ કરાયો છે.
આરોગ્યપ્રધાનની ચીમકી : આરોગ્યપ્રધાને શાંતાબા હોસ્પિટલને દંડની માહિતી આપવા સાથે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના એક પણ નાગિરકના આરોગ્ય સાથે ચેડા કરતી કે ગેરરીતિ આચરતી હોસ્પિટલ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
શું બની હતી ઘટના : અમરેલીની શાંતાબા હોસ્પિટલમાં 25 લોકોને મોતિયાના ઓપરેશન બાદ આડઅસર થઇ હતીછે. જેના પડઘા ગાંધીનગર સુધી પડ્યા હતાં.. આ સમગ્ર બાબતે આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું કે અમરેલીની શાંતાબા હોસ્પિટલમાં 25 લોકોના મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતાં. 16 તારીખ 18 તારીખ 22 અને 23 તારીખના દિવસે કુલ 17 ઓપરેશન કરવામાં આવ્યા હતાં.
બેક્ટેરિયા ઇન્ફેક્શન થયું હતું : અમરેલીની શાંતાબા ગજેરા મેડિકલ કોલેજમાં ગત 16થી 22 નવેમ્બર 2023 દરમિયાન 20 કરતાં વધુ દર્દીઓને મોતિયાના ઓપરેશન કરાયા હતા. જેમાં આજે 17 જેટલા દર્દીઓની આંખોમાં ગંભીર પ્રકારની નુકસાની સામે આવી હતી.જેમાંથી 12 દર્દીઓને બેક્ટેરિયા ઇન્ફેક્શન લાગુ પડ્યું હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું હતું. બે દર્દીઓ હવે સંપૂર્ણપણે સાજા થયા જ્યારે 6 દર્દીઓને MNJ હોસ્પિટલમાં, 2 અમદાવાદની નગરી હોસ્પિટલ અને 6 દર્દીઓને ભાવનગરની હોસ્પિટલમાં ખસેડીને સારવાર શરૂ કરવામાં આવી હતી.. પ્રાથમિક તપાસમાં મોનારક બેક્ટેરિયા હોવાનું જાણવામાં આવ્યું હતું.ત્યારે આ મામલાની આરોગ્યવિભાગની તપાસ બાદ શાંતાબા હોસ્પિટલને દંડ ફટકારવામાં આવ્યો છે.