ગાંધીનગર : ગુજરાતના મહાઠગ કિરણ પટેલે પીએમ ઓફિસમાં અધિકારી હોવાનો ખોટો ડોળ કરીને કાશ્મીરમાં ઝેડ પ્લસ સુરક્ષા મેળવીને સંવેદનશીલ જગ્યાએ મુલાકાત કરી હતી. ત્યારે જમ્મુ કાશ્મીરની પોલીસ દ્વારા તપાસ કર્યા બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તેને વધુ તપાસ માટે ટ્રાન્સફર વોરંટથી અમદાવાદ લાવી છે. જેમાં રિમાન્ડ દરમિયાન અનેક પૂછપરછ કરવામાં આવી છે. જ્યારે સચિવાલયમાં મુખ્ય પ્રધાનના અધિક PRO પંડ્યાના પુત્રના સંપર્કમાં પણ હોવાનું સામે આવ્યું હતું, જેથી પંડ્યાએ રાજીનામું આપી દીધું હતું. ત્યારે આ સમગ્ર ઘટના બાબતે રાજ્યના તમામ પ્રધાનોને એક ખાસ અને કડક સૂચનાઓ આપવામાં આવી છે.
રાજ્યના પ્રધાનોને કેવી અપાઈ સૂચના : રાજ્ય સરકારના કેબિનેટ કક્ષાના પ્રધાને નામ ન આપવાની શરતે ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન કાર્યાલય અને મુખ્યપ્રધાન કાર્યલયમાંથી તમામ પ્રધાનોને એક સૂચના આપવામાં આવી છે. જેમાં સચિવાલયમાં વચેટીયા ઉપર સંપૂર્ણ પ્રકારે પ્રતિબંધ રાખવાની સૂચના આપવામાં આવી છે અને કોઈપણ બધાને પોતાના કાર્યાલયમાં આવવા દેવા નહીં. વચેટીયાઓ અને વારંવાર ધક્કા ખાતા અરજદારને લઇને જણાવાયું છે કે વારંવાર જે મુલાકાતીઓ સચિવાલયમાં આવે છે તેના ઉપર પણ પ્રતિબંધ મૂકવો. જ્યારે કોઈ અરજદાર ત્રણથી વધુ વખત સચિવાલયમાં ન આવવા જોઈએ અને આવા અરજદારોનું કામ પણ તાત્કાલિક ધોરણે પૂરું કરવામાં આવે તેવી સૂચનાઓ આપવામાં આવી છે.
આ પણ વાંચો IAS કે રાજેશના વચેટિયા રફીકની ધરપકડ, અધિકારી સામે જાણો વર્ષોથી કોણ કરી રહ્યું હતું ફરિયાદ
CCTV અને એન્ટ્રી પાસ સર્વેલન્સ : ગુજરાતના સચિવાલયમાં પ્રવેશ મેળવવા માટે તમામ લોકોએ એન્ટ્રી પાસ કઢાવો પડે છે અને આખું સચિવાલય સીસીટીવી નેટવર્કથી સંકળાયેલું છે. ત્યારે પાસમાં કયો વ્યક્તિ કયા પ્રધાનને મળવા માંગે છે તે તમામ પ્રકારની વિગતો મૂકવી પડે છે. આવા તમામ એન્ટ્રી પાસનું પણ સર્વેલન્સ કરાશે અને જે વચ્ચેથી આવે છે તેમને ઓળખી પાડવામાં આવશે. આ ઉપરાંત સીસીટીવી નેટવર્કનું જે સામ્રાજ્ય સચિવાલયમાં કરવામાં આવ્યું છે તેનું સીધું એક્સેસ મુખ્યપ્રધાન નિવાસસ્થાન ખાતે અનેક વડાપ્રધાન કાર્યાલયમાં પણ થઈ શકે તેવી સિસ્ટમ છે. તેથી તમામ પ્રધાનો પાસે પોતાના અથવા તો વારંવાર ભલામણના કામ લઈને આવતા તમામ લોકોની કામ નહીં કરવાની સૂચના પણ સરકારે તમામ પ્રધાનોને આપી છે. જ્યારે બદલીના કામ ભલામણથી નહીં કરવાની સૂચના પ્રધાનોને અપાઈ છે.
2 મહિના પહેલા તમામ પ્રધાનોએ અંગત વ્યક્તિ દૂર કર્યા : જ્યારે બે મહિના અગાઉ ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના અને કેબિનેટ કક્ષાના તમામ પ્રધાનોએ પોતાના પર્સનલ આસિસ્ટન્ટ તરીકે જે અંગત વ્યક્તિઓને રાખ્યા હતા તે તમામ લોકોને દૂર કરવામાં આવ્યા છે. તમામ કાર્યાલયમાં સરકારી સ્ટાફ સિવાય સરકારી કર્મચારી સિવાય કોઈપણને રાખવા નહીં તેવી પણ સૂચના આપવામાં આવી છે. આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ એરપોર્ટ પર કરેલી બેઠક બાદ તમામ પ્રધાનોએ અંગત વ્યક્તિઓને દૂર કર્યા હતાં.
લોકસભા ચૂંટણી અર્થે સૂચના : લોકસભા 2024ની ચૂંટણીને હવે એક વર્ષ જેટલો જ સમયગાળો બાકી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય અને વચેટિયાઓના કારણે સરકાર બદનામ ન થાય તેને ધ્યાનમાં લઈને જ વચેટીયાઓને સચિવાલયમાં નો એન્ટ્રી બાબતનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉપરાંત લોકોને સચિવાલયમાં ઓછા ધક્કા ખાવા પડે તે પ્રકારે કામ કરવા સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે લોકસભા 2024 ચૂંટણીમાં કોઈ નુકશાન ન થાય તે હેતુથી આવો નિર્ણય કરવામાં આવ્યો હોય તેવી લાગી રહ્યું છે.
પીએમ મોદીની 40 સૂચનાઓ : ડિસેમ્બર મહિનામાં અમદાવાદમાં યોજાયેલા સ્વામિનારાયણ શતાબ્દી મહોત્સવ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ એરપોર્ટ ઉપર રાજ્યના મુખ્યપ્રધાન અને ઉચ્ચકક્ષાના અધિકારીઓ સાથે રીવ્યુ બેઠક કરી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 40 જેટલી સૂચનાઓ આપી હોવાની વાત સામે આવી છે. જ્યારે આ સૂચનાઓ પૈકી વચેટિયાઓને સચિવાલયમાં નો એન્ટ્રી. વારંવાર સચિવાલયમાં ન આવે, પ્રધાને મોબાઈલ નહીં પરંતુ ઇન્ટરકોમનો ઉપયોગ કરવો, મુલાકાતીઓ માટે મોબાઈલનો પ્રતિબંધ, સરકારના પ્રધાનો અને અધિકારીઓ વચ્ચે સંકલન, સોમવારથી શુક્રવાર સુધી ફરજિયાત સચિવાલયમાં હાજર રહેેવા જેવી સૂચના ભૂતકાળમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી હતી.