ગાંધીનગર: પાટનગરના કમર્શિયલ હબ સમાન સેકટર-21માં અદ્યતન પાર્કિંગ સાથે ગાર્ડન અને રિક્રિએશન એરીયા ઊભો કરવા માટે સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમેટેડ દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં રૂપિયા 15.9 કરોડનો ભાવ ભરનારી એજન્સીને એલ-1 જાહેર કરાઈ હતી અને તેને વર્ક ઓર્ડર આપવાનો નિર્ણય લેવાયો હતો. ટેન્ડર પ્રક્રિયામાં લાયકાત વગરની એજન્સીને કરોડોનું કામ આપવાનો કારસો ઘડાયો હોવાનો આક્ષેપ મ્યુનિસિપલના પૂર્વ હોદ્દેદારે જાહેરમાં કર્યો હતો. જે બાદ આ મામલે તકેદારી આયોગ, મુખ્ય સચિવ અને મુખ્યપ્રધાન સમક્ષ ફરિયાદ થઈ છે.
સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડમાં મનસ્વી રીતે એજન્સીઓની પસંદગી અને વ્હાલા-દવલાની નીતિ સામે અગાઉ અનેક વખત આક્ષેપો થઈ રહ્યાં છે, ત્યારે વધુ એક વખત વિવાદ સર્જાયો છે. સેકટર-21માં માઉન્ટ કાર્મેલ સ્કૂલથી માંડી પેટ્રોલપંપ સુધી 3 હજાર જેટલા વાહનોના પાર્કિંગની સુવિધા ઊભી કરવા અને ગાર્ડન, રિક્રિએશન એરીયા બનાવવા માટે ટેન્ડર બહાર પડાયું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ટેન્ડર ભરનારી કંપનીઓ પાસે ગાર્ડનિંગ અને ઈરિગેશનની કામગીરીનો અનુભવ માગવામાં આવ્યો હતો.
સ્માર્ટ સિટીનું આ ટેન્ડર એલ-1 ભાવ ભરનારી એક એજન્સીને આપવાનો નિર્ણય બોર્ડની મિટિંગમાં લેવાયો હતો. તાજેતરમાં યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ભાજપના પૂર્વ હોદ્દેદારે જાહેરમાં બફાલો કાઢીને આ નિર્ણયને ગેરકાયદે જણાવ્યો હતો અને લાયકાત વગરની એજન્સીને કામ આપવા માટે સ્માર્ટ સિટી કંપનીના અધિકારીઓ અને એક ડાયરેક્ટર વચ્ચે સાંઠગાંઠ હોવાનો ખુલાસો કર્યો હતો. પૂર્વ હોદ્દેદારના આ ચોંકાવનારા ખુલાસા બાદ ટેન્ડરમાં ગોલમાલની આશંકા સાથે તકેદારી આયોગ અને મુખ્ય સચિવ સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે.