ગાંધીનગરઃ હવે શહેરની બહાર વસતી અને વધતાં વિસ્તારને પણ કોર્પોરેશનમાં સમાવી લેવાયાં છે. આ અંગે મેયર રીટાબેન પટેલે કહ્યું હતું કે,‘મહાપાલિકા વિસ્તારમાં ભેળવવામાં આવેલા નવા વિસ્તારોના વિકાસ માટે મહાપાલિકા તંત્ર કટિબદ્ધ છે, જ્યાં પાટનગર જેવી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ છે. જેમાં પીવાના પાણી, ગંદા પાણીના નિકાલ માટે ગટર વ્યવસ્થાપન, રસ્તા, સ્ટ્રીટલાઇટ, સિટી સર્વેલન્સની સુરક્ષા અને જરૂરી સેવા સંસાધનનો સમાવેશ કરાશે.’
ગાંધીનગર મહાપાલિકામાં પેથાપુર પાલિકા, 18 ગામડાંનો સમાવેશ કરાયો પેથાપુર નગરપાલિકા, કુડાસણ, રાયસણ, રાંદેસણ, સરગાસણ, કોબા, વાસણા હડમતીયા, વાવોલ, કોલવડા, પોર, અંબાપુર, અમિયાપુર, ભાટ, સુઘડ, ઝુંડાલ, ખોરજ, કોટેશ્વર, નભોઈ અને રાંધેજા ગ્રામ પંચાયતો, તારાપુરા અને ઉવારસદની ટીપી નં-9નો વિસ્તાર, ધોળાકુવામાં ગુડાની ટીપી નંબર 4, 5 અને 6ના રેવન્યુ સર્વે નંબરો, ઇન્દ્રોડામાં ટીપી નંબર 5નો વિસ્તાર, લવારપુર, શાહપુરની ટીપી નંબર 25નો રેવન્યુ વિસ્તાર તથા બાસણ ગામના ગુડા વિસ્તારના તમામ સર્વે નંબરોનો સમાવેશ કરાયો છે.હાલ ગાંધીનગર કોર્પોરેશનમાં 45 હજાર જેટલા રહેણાંક અને દસ હજાર કોમર્શિયલ મિલકતો છે. જે હવે વિસ્તાર વધવાની સાથે ત્રણ ગણી થઈ ગઈ છે. કોર્પોરેશનનો વિસ્તાર 5732 હેક્ટરથી વધીને 19 હજાર હેક્ટરથી વધુ થઈ ગયો છે. અગાઉ મનપા વિસ્તારમાં 2.75 લાખ વસ્તી હતી, જેમાં અંદાજે 2.25 લાખની વસ્તીનો ઉમેરો થયો છે. જેને પગલે કોર્પોરેશન તંત્રની જવાબદારી સાથે ટેક્સ અને વેરાની આવકમાં વધારો થશે.