ગાંધીનગર ફાયરબ્રિગેડના ચીફ ઓફિસર મહેશકુમાર મોડે કહ્યું કે, સેક્ટર 26 GIDCમાં આવેલી તનવેલ E-Bike કંપનીમાં બુધવારે બપોરે 2:15 વાગ્યાના અરસામાં આગ ભભૂકી ઉઠી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું,ત્યારે ગાંધીનગર ફાયર બ્રિગેડ દ્વારા ટેન્કર બોલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરાયોહતો. ગાંધીનગર સહિત કલોલ નગરપાલિકા, પેથાપુર નગરપાલિકા, ગિફ્ટ સિટી સહિતની ફાયર બ્રિગેડની ટીમોને બોલાવવામાં આવીહતી. આગ લાગી તે સમયે અંદર કર્મચારીઓ કામગીરી કરી રહ્યા હતા, પરંતુ સમયસૂચકતાના કારણે તેમને બચાવી લેવામાં આવ્યા હતા. 2 કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડે 2 લાખ લિટર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
E-Bike બનાવતી કંપનીમાં કરોડો રૂપિયાનો સર સામાન આગમાં સ્વાહા થઈ ગયો હતો. આગ ઉપર સતત પાણીનો મારો ચલાવતા છતાં કાબૂ મેળવવામાં નહીં આવતા આજુબાજુમાં આવેલી ફેક્ટરીના માલિકોના ચહેરા ઉપર પણ ચિંતાના વાદળો છવાઈ ગયા હતા. આગ કયાકારણસર લાગી તે હજુ જાણવા મળી શક્યું નથી. પરંતુ ગાંધીનગર ફાયર બ્રિગેડ દ્વારા આ બાબતની જાણ FSLમાં કરવામાં આવી છે. FSLના રીપોર્ટ આવ્યા બાદ આગનું સાચું કારણ જાણવા મળી શકે છે.
આગના બનાવથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા, ત્યારે પરિસ્થિતિને કાબૂમાં મેળવવા માટે ગાંધીનગર શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ કાફલો લઈને પહોંચ્યા હતા. ગાંધીનગર શહેરમાં GIDC વિસ્તારમાં આટલા મોટા પ્રમાણમાં પહેલી વખત આગ લાગી હોય તેવું જોવા મળ્યું હતું.