ગાંધીનગર : બનાસકાંઠાના દિયોદરમાં 7 ઓગસ્ટના રોજ ભાજપના ધારાસભ્ય કેશાજી ચૌહાણના ટેકેદારે ખેડૂત આગેવાન અમરાજી ચૌધરીને લાફો મારવાની ઘટના સામે આવી હતી. જેના કારણે ખેડૂતો રોષે ભરાયા હતા. ત્યારબાદ 8 તારીખથી ગાંધીનગરમાં આંદોલન કરવા માટે ખેડૂતો રસ્તે ચાલીને નીકળ્યા હતા. ત્યારે આજે ગાંધીનગર રેન્જમાં આંદોલનની રેલી પ્રવેશી હતી. આખરે 10 જેટલા ખેડૂત આગેવાનોની કમિટીને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરાવીને આ આંદોલન ગાંધીનગર પોલીસે સમેટાવ્યું હતું.
CM સાથે બેઠક : ખેડૂત આંદોલન મહેસાણાના ગોજારીયામાં પ્રવેશ થતાં જ ગાંધીનગર રેન્જ આઈ.જી એક્ટિવ થયા હતા. તેઓએ તાત્કાલિક ધોરણે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરાવી હોવાનું વાત સામે આવી રહી છે. મહેસાણા પોલીસ ગોઝારીયાથી 10 જેટલા ખેડૂત આગેવાનોને મુખ્ય પ્રધાનના નિવાસ સ્થાન ખાતે લઈને પહોંચી હતી. ખેડૂત આગેવાનોએ લગભગ એક કલાક સુધી મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સાથે બેઠક કરી હતી. ત્યારબાદ ફરીથી ખેડૂતોને ગાંધીનગર ડીવાયએસપી કચેરી લઈ જઈને અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી. જેમાં પોલીસે હુમલો કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થશે તેવું આશ્વાસન ખેડૂતોને આપ્યું હોવાનું અમરાજી ચૌધરીએ કહ્યું હતું.
ખેડૂતોની માંગ : ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીએ આ અંગે ETV BHARAT સાથે વાતચીત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, છેલ્લા સાત દિવસથી અમે આંદોલન કરી રહ્યા હતા. આંદોલન અને અમારી માંગણી બાબતે આજે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક યોજવામાં આવી હતી. અમારી માંગ દિયોદરના ધારાસભ્યનું રાજીનામું હતી. આ માંગ સાથે જ અમે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સાથે બેઠક યોજી હતી. આ અનુસંધાને પોલીસ અધિકારી સાથે પણ મુલાકાત કરી છે. પોલીસે જણાવ્યું હતું કે, આ કેસ બીજા જિલ્લાના પોલીસ અધિકારીઓને આપીને તપાસ કરવામાં આવશે.
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે અમને બોલાવીને વિશ્વાસ આપ્યો છે. અમારી માગણીઓ અંગે ઉપર સુધી રજૂઆત કરીને યોગ્ય સમાધાન કરવાનું આશ્વાસન આપ્યું છે. પોલીસે અમને વિશ્વાસ આપ્યો છે કે, આ બાબતની પૂરેપૂરી તપાસ થશે. ઉપરાંત મારા ઉપર જેણેે હુમલો કર્યો છે, તેના ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.-- અમરાભાઈ ચૌધરી (ખેડૂત આગેવાન)
આંદોલન સમેટાયું : અમરાભાઇ ચૌધરીએ આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્ય પ્રધાન સાથે બેઠક કર્યા બાદ પડતર માંગનો નિર્ણય આવતા અમને સંતોષ છે. છેલ્લા કેટલાય દિવસોથી આંદોલન ચાલી રહ્યું હતું તે આંદોલન અમે સમેટી છીએ. પરંતુ જો સંતોષકારક પરિણામ નહીં મળે તો આવનારા દિવસોમાં અમે ફરીથી આ મુદ્દે આંદોલન શરૂ કરીશું. અમારી માંગ ધારાસભ્યના રાજીનામાની હતી. તે બાબતે પણ અમે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી છે.
ભવિષ્યમાં આંદોલનની ચીમકી : અમરાભાઇ ચૌધરીએ વધુમાં નિવેદન આપ્યું હતું કે, હાલ તો અમે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથેની બેઠક બાદ આ આંદોલન સમેટી રહ્યા છીએ. પરંતુ જો આવનારા દિવસોમાં પોલીસ કોઈપણ પ્રકારની કાર્યવાહી નહીં કરે, તો ભવિષ્યમાં ફરીથી આ મુદ્દા ઉપર આંદોલન કરવામાં આવશે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે અમને વિશ્વાસ આપ્યો છે કે, બનાસકાંઠા પોલીસની જગ્યાએ અન્ય જિલ્લાના પોલીસ અધિકારીઓ આ સમગ્ર મામલે તપાસ કરશે.