આ અંગે રાજ્ય સરકારના પૂર્વ પ્રધાન અને કાઉન્સિલના સભ્ય જયનારાયણ વ્યાસે કહ્યું કે, પૂર્વ ધારાસભ્ય કોઇ એક પક્ષના નથી. તેમાં તમામ પક્ષના ધારાસભ્યોનો સમાવેશ થાય છે. જ્યારે આજે ધારાસભ્ય છે, તે આવતીકાલે પૂર્વ ધારાસભ્ય બનવાના જ છે. અમારા સમયમાં ધારાસભ્યોને 500 રૂપિયા પગાર મળતો હતો. જ્યારે હાલમાં વર્ષે એક ધારાસભ્ય 18 લાખની આવક મેળવે છે. કાઉન્સિલ તમામ ધારાસભ્યો માટે પેન્શનની માગ કરતું નથી. પરંતુ જે ગરીબ ધારાસભ્યો છે, તેમની પાસે હાલમાં આવકનું કોઈ સાધન નથી, તેવા પૂર્વ ધારાસભ્યોને પેન્શન મળવું જોઈએ. અન્ય તમામ રાજ્યોમાં ધારાસભ્યોને પેન્શન આપવામાં આવે છે. જેમાં સૌથી વધારે આસામ રાજ્યમાં દર મહિને રૂપિયા 30,000 પૂર્વ ધારાસભ્યોને પેન્શન આપવામાં આવે છે.
એક્સ એમ. એલ. એ. કાઉન્સિલના ચેરમેન બાબુભાઈ શાહે કહ્યું કે, અમારી મુખ્ય હાલમાં ત્રણ માંગણીઓ છે. આ બાબતે સરકારમાં સાત-સાત વખત રજૂઆત કરવામાં આવી છે. સંવેદનશીલ મુખ્યપ્રધાન પણ અમારા પત્રનો જવાબ આપી શક્યા નથી. ત્યારે અમારી મુખ્ય માગ છે કે, સરકાર પૂર્વ ધારાસભ્યોને પેન્શન આપે. જ્યારે વર્તમાન ધારાસભ્યને રૂપિયા 15 લાખની મેડિકલ સહાય આપવામાં આવે છે. તેવી જ રીતે પૂર્વ ધારાસભ્યોને પણ મેડિકલ સહાય આપવામાં આવવી જોઈએ. જ્યારે ત્રીજી અને મુખ્ય માગ છે કે, ગુજરાત સરકારની વોલ્વો બસમાં ધારાસભ્યની સીટ રિઝર્વ રાખવામાં આવે અને તેમને વિનામૂલ્યે પ્રવાસની સુવિધા પૂરી પાડવામાં આવે.
ST નિગમના કર્મચારીઓ પૂર્વ ધારાસભ્યોનું બસમાં મુસાફરી કરવાના સમયે માન સન્માન જાળવવામાં આવતું નથી. ત્યારે આ પ્રકારનું વર્તન કરવામાં આવે તે બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં. ઉપરાંત વિશ્રામ ગૃહમાં પણ પૂર્વ ધારાસભ્યો સાથે ખરાબ વર્તન કરવામાં આવી રહ્યું છે, તેમાં પણ સુવિધા મળતી નથી. આ તમામ મુદ્દે હવે રાજ્યના પૂર્વ ધારાસભ્યો આકરૂ વલણ અપનાવી રહ્યાં છે.
એક્સ એમ.એલ.એ. કાઉન્સિલની ઓફિસ વિધાનસભામાં બીજા માળે રાખવામાં આવી હતી. પરંતુ સરકાર દ્વારા તેમાં પણ અમારી સાથે અન્યાય કરવામાં આવ્યો છે. એક સમય માટે સરકારમાં રહીને લોકોની સુવિધાઓ અને સહાય કરતા ધારાસભ્યોની હાલત વર્તમાન સરકારમાં કફોડી થઈ ગઈ છે.