તાજેતરમાં ગાંધીનગર પોલીસ સ્ટેશનની હદમાં પોલીસ પેટ્રોલીંગ દરમિયાન દારૂ ભરેલી બે ટ્રક ઝડપી પાડવામાં આવી હતી. જેમાં મોટા પ્રમાણમાં દારૂ ભરેલી પેટીઓ હતી. પરંતુ પોલીસ કર્મચારી દ્વારા દારૂની પેટી ઓછી બતાવી બાકીના જથ્થાનો વહીવટ કરી નાખવામાં આવ્યો હતો. જે બાબતનો અહેવાલ ETV ભારતે પ્રસિદ્ધ કર્યો હતો. જેની અસરથી જિલ્લા પોલીસ વડાએ કર્મચારીની બદલી કરવાનો નિર્ણય લીધો છે.
જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા દારૂ પ્રતિબંધના પાલન કરવાના પ્રયત્નો કરવામાં આવે છે. પરંતુ ભ્રષ્ટ કર્મચારીઓ તેમાં વિઘ્ન બની રહ્યાં છે. ઉપરોક્ત ઘટનામાં પોલીસ કર્મચારીએ દારૂ ભરેલી બે કાર ઝડપી હતી, જેમાં પોલીસ ચોપડે ઓછો જથ્થો દર્શાવ્યો હતો. જેથી પોલીસવડાએ સજાના ભાગ રૂપે આ કર્મચારીને હેડક્વાર્ટ્સમાં નિમણૂંક આપી છે. જ્યારે ઘટનાની તપાસ માટે કમિટી બનાવી છે. આ ઘટના બાદ પોલીસ બેડામાં ખળભળાટ મચી છે. જ્યારે કેટલાક પોલીસ કર્મચારીઓ દ્વારા પોલીસવડાની કાર્યવાહીને બિરદાવવામાં આવી રહી છે.