ઉચ્ચ શિક્ષિત બેરોજગાર યુવા મોરચાના આગેવાન પ્રવીણ રાઠોડે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 4 વર્ષમાં એક પણ ભરતી કરવામાં આવી નથી. સાથે જ અત્યાર સુધી અધ્યાપકો દ્વારા 20થી વધુ વખત લેખિતમાં રાજ્ય સરકારને જાણ પણ કરવામાં આવી છે. તેમ છતાં પણ રાજ્ય સરકાર દ્વારા કોઈ જ પ્રકારના પગલા લેવામાં આવ્યા નથી, જ્યારે રાજ્યની કોલેજોમાં અનેક જગ્યાઓ ખાલી પડી છે. તે જગ્યા વહેલી તકે ભરાય તેવી માગ ઉચ્ચ શિક્ષિત બેરોજગાર યુવાન મોરચા દ્વારા કરવામાં આવી હતી.
ઉપરાંત જો હવે આગામી દસ દિવસની અંદર એટલે કે 26મી જાન્યુઆરી સુધી ઉચ્ચ શિક્ષણ પામેલા બેરોજગારોને યોગ્ય નોકરી ના આપી શકો, ત્યાં સુધી ગુજરાતમાં દારૂના વેચાણ માટેની પરવાનગી આપવામાં આવે તેવી પણ માગ ઉચ્ચ શિક્ષિત બેરોજગાર યુવા મોરચા દ્વારા કરવામાં આવી હતી.
જ્યારે નીલમ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, રાજ્યના 354 કોલેજોમાં કુલ 500થી વધુ પ્રોફેસરની જગ્યા ખાલી છે, જ્યારે એક હજારથી વધુ જગ્યાઓ માટે રાજ્ય સરકારે જાહેરાત કરી હતી કે, ડિસેમ્બર 2019 સુધીમાંઆ તમામ જગ્યા ભરવામાં આવશે. તેમ છતાં પણ હજી સુધી કોઈ જ જગ્યા ભરવામાં આવી નથી. આમ ગાંધીનગર ખાતે ઉચ્ચ શિક્ષણ મેળવતા ઉમેદવારો દ્વારા સરકારનો વિરોધ કર્યો હતો.