- કોર્પોરેશન વિસ્તારમાં 21 મતદાન અને 23એ પરિણામ
- જિલ્લા તાલુકા પંચાયતમાં 28 ફેબ્રુઆરીએ મતદાન અને 2 માર્ચના રોજ પરિણામ
- રાજ્યમાં ચૂંટણી વિસ્તારોમાં આચારસંહિતા લાગું
ગાંધીનગરઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આજે રાજ્ય ચૂંટણી પંચ આયોગ દ્વારા ચૂંટણીની જાહેર કરવામાં આવી છે. ચૂંટણીઓની જાહેરાત થતાની સાથે જ 6:00 થી રાજ્યમાં જે કોર્પોરેશન તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ચૂંટણી યોજાવાની છે. તે તમામ જગ્યા પર આચાર સંહિતાનો પણ અમલ કરી દેવામાં આવ્યો છે. કોર્પોરેશન વિસ્તારમાં 21 ફેબ્રુઆરીના રોજ મતદાન કરવામાં આવશે અને 23 ફેબ્રુઆરી ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. જ્યારે જિલ્લા તાલુકા પંચાયત નું મતદાન 28 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે. જેનું પરિણામ 2 માર્ચના રોજ જાહેર કરવામાં આવશે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણી માટેના મતદાનનો સમય સવારે 7 વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીનો નક્કી કરેલ છે.
1 ફેબ્રુઆરીના રોજ જાહેરનામું પ્રસિદ્ધ
રાજકોટ, અમદાવાદ, સુરત, જામનગર, ભાવનગર અને બરોડા કોર્પોરેશનમાં 1 ફેબ્રુઆરીના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે, ત્યારબાદ 8 ફેબ્રુઆરીના રોજ ઉમેદવારી પત્રો ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારી પાછી ખેંચવા માટે 9 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે જ્યારે મતદાન તારીખ 21 ફેબ્રુઆરી પૂનઃ મતદાન 22 ફેબ્રુઆરી અને મત ગણતરી 23 ફેબ્રુઆરીના રોજ યોજવામાં આવશે.
જિલ્લા તાલુકા પંચાયતની વિગતો
રાજ્ય ચૂંટણી પંચ આયોગ દ્વારા 81 નગરપાલિકા 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી પણ જાહેર કરવામાં આવી હતી. જેનું જાહેરનામું 8 ફેબ્રુઆરીના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. 15 ફેબ્રુઆરીના રોજ ઉમેદવારી પત્રો ભરવમાં આવશે, જ્યારે 16મી ફેબ્રુઆરીના રોજ ઉમેદવારી પાછી ખેંચી લેવાની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત જો મતદાનની વાત કરવામાં આવે તો 28 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે પણ મતદાન 1 માર્ચના રોજ યોજવામાં આવશે અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાનું મતગણતરી 2 માર્ચના રોજ હાથ ધરવામાં આવશે.
3000 જેટલા EVM મંગાવ્યા
રાજ્ય ચૂંટણી આયોગના ચૂંટણી કમિશનર સંજય પ્રસાદે વધુમાં જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને અત્યાર સુધીમાં 9 જેટલી વીડિયો કોન્ફરન્સ જિલ્લા કલેક્ટરો સાથે કરવામાં આવી છે. જ્યારે ઇલેક્શન કમિશન પાસેથી વધારાના 3 હજાર જેટલા એવીએમ મશીન પણ મંગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્યમાં કુલ 47, 695 મતદાન મથકો ઉપર મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં 6000 અતિ સંવેદનશીલ મતદાન મથકો, 11000 જેટલા સંવેદનશીલ મતદાન મથકો ગણવામાં આવ્યા છે, જ્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને મતદારો નિર્ભીક રીતે મતદાન કરી શકે તે અંગે પણ પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.
કોરોનાને લઇને રાજ્યના આરોગ્ય વિભાગ સાથે રહીને તૈયારીઓ કરવામાં આવશે
આમ, છેલ્લા કેટલાય દિવસથી જોવાતી રાહ હવે તેના પર રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પૂર્ણ વિરામ મુકી દેવામાં આવ્યું છે અને સત્તાવાર રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર કરી છે. આ ઉપરાંત વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કોરોનાની અંગે પણ રાજ્યના આરોગ્ય વિભાગ સાથે રહીને તૈયારીઓ કરવામાં આવશે.