ગાંધીનગરઃ કોરોના વાઇરસના કહેર વચ્ચે ડૉક્ટરોએ માનવતા મૂકી દીધી છે. ક્યાંક દર્દીઓની સારવારમાં ઉઘાડી લૂંટ કરવામાં આવી છે. તો ક્યાંક સરકારના નિયમો નેવે મૂકીને કામગીરી કરી છે. આવો જ એક કિસ્સો દહેગામ શહેરમાં બનવા પામ્યો છે. શહેરમાં આવેલી શ્રીજી હોસ્પિટલ પાસે કોરોના દર્દીઓની સારવાર કરવા માટેની માન્યતા નહીં હોવા છતાં અમદાવાદથી દર્દીઓને લાવવામાં આવતા હતા. છેલ્લા ત્રણ દિવસથી આ બાબતે નાગરિકો અને શ્રીજી હોસ્પિટલના સંચાલક વચ્ચે હોબાળો થઈ રહ્યો હતો. જેની ફરિયાદ ગાંધીનગર જિલ્લા આરોગ્ય અધિકારીને મળતા આજે બુધવારે નોટિસ પાઠવી 2 દિવસમાં ખુલાસો કરવા જણાવ્યું છે.
શ્રીજી હોસ્પિટલના તબીબ દ્વારા પાટણ અને અમદાવાદથી કોરોના દર્દીને લાવવામાં આવ્યા હતા. જેને લઈને નાગરિકોએ પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. તો બીજી તરફ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ દહેગામના એક આરોગ્ય વિભાગના કર્મચારીના પત્નીના નામે આ હોસ્પિટલ કાર્યરત છે. જેનો સીધો ફાયદો ખાનગી તબીબોને મળી રહ્યો છે. હાલ તો આ બાબતે જિલ્લા આરોગ્ય વિભાગે નોટિસ ફટકારીને ખુલાસો માગ્યો છે. પરંતુ દહેગામમાં આવી અનેક હોસ્પિટલો છે, જ્યાં નર્યું ધુપ્પલ ચાલી રહ્યું છે.