રાજ્યની પાલિકાઓ અને મહાનગરપાલિકામાં ચૂંટાયેલા ગયેલા નેતાઓ સમાજ સેવાના નામે મલાઈ ખાવા આવે છે. પોતાના પાંચ વર્ષની મુદત પૂરી થાય તે પહેલા ભ્રષ્ટાચારની જાળમાં ફસાય જતા હોય છે. ત્યારે દહેગામ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલા કામોમાં ગેરરીતિની ગંધ આવતા જાગૃત નાગરિકો દ્વારા આ કૌભાંડને બંધ કરીને નાગરિકોના ટેક્સના પૈસાને યોગ્ય રીતે ઉપયોગ કરો તેવી પત્રિકા વહેતી કરવામાં આવી છે.
પત્રિકામાં જણાવ્યું છે કે, દહેગામ શહેરના રોડ રસ્તાના કામોમાં કરવામાં આવેલી ગેરરીતિઓ અને કૌભાંડને લઈને નામદાર ગુજરાત હાઇકોર્ટમાં રીટ દાખલ થાય તથા તપાસની પરિસ્થિતિનું નિર્માણ થાય તે પહેલા પોતાની નૈતિક જવાબદારી સ્વીકારીને દહેગામ વાસીઓને સ્વચ્છ અને સુંદર શહેર આપવામાં આવે.
ગુણવત્તા વિનાના થયેલા વિકાસના કામોને એજન્સી અને કોન્ટ્રાક્ટરના ખર્ચે ફરી કરાવવામાં આવે. દહેગામની જનતાએ નગરપાલિકામાં કરવેરા સ્વરૂપે આપેલી પરસેવાની કમાણીને યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તેવી માગ પત્રિકા મારફત કરવામાં આવી.