ગાંધીનગર : વિશ્વમાં આજે 3241 કેસો કોરોના વાયરસના નોંધાયા છે. જે સાથે કુલ 20630 કેસો છે. જેમાં 64 મૃત્યુ મળી અત્યાર સુધી વિશ્વમાં કુલ 426 મૃત્યુ નોધાયા છે. માત્ર ચીનમાં જ કુલ 20471 કેસો નોંધાયા છે. તેમજ 425 મોત થયા છે. ભારતમાં કુલ 3 કેસો પોઝિટિવ નોંધાયા છે, જે કેરળમાં છે. રાજ્યમાં 8 શંકાસ્પદ કેસો જણાતા તેમના સેમ્પલ એન.આઇ.વી. પૂના ખાતે મોકલવામાં આવ્યા છે. તે પૈકી 5 સેમ્પલના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. અને 3 સેમ્પલ પેન્ડિંગમાં છે. જેનો રીપોર્ટ મોડી રાત સુધીમાં આવી જશે.
આરોગ્ય વિભાગ કેન્દ્રના આરોગ્ય મંત્રાલયની 3 સભ્યોની તબીબી ટીમ ગુજરાતની મુલાકાતે આવી હતી. આ ટીમમાં સફદરગંજ હોસ્પિટલ, નવી દિલ્હીના મેડિસીન વિભાગના પ્રોફેસર નવંગ, એન.સી.ડી.સી., નવી દિલ્હીના એપિડોલોજીસ્ટ ડૉ. વિનય ગર્ગ તેમજ સફદરગંજ હોસ્પિટલના માઇક્રો બાયોલોજીસ્ટ ડૉ. મનીષા જૈને અમદાવાદ એરપોર્ટ અને સિવિલ હોસ્પિટલ, અમદાવાદની મુલાકાત લીધી હતી. જેમાં રાજ્ય સરકાર દ્વારા કોરોના વાઇરસ સામે આગમચેતીના ભાગરૂપે તેમજ તેની સારવાર માટે લીધેલા પગલાઓથી સંપૂર્ણ સંતોષ વ્યક્ત કર્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા એરપોર્ટ ખાતે સ્ક્રીનિંગ તથા સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે આઇસોલેશન વોર્ડની સુવિધાઓ ઊભી કરાઈ છે. રાજ્યમાં નવા 161 મુસાફરો મળી કુલ 930 મસાફરો ચીનથી પરત ફર્યા છે. જે પૈકી 246 મુસાફરોએ 14 દિવસનો ઓબ્ઝર્વેશન પરીયડ પૂર્ણ કર્યો છે. આ તમામની તબિયત સારી છે. તેમાં તમામનું જિલ્લા સર્વેલન્સ અધિકારી તેમજ કોર્પોરેશનના સર્વેલન્સ અધિકારી દ્વારા મોનીટરીંગ પણ કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે સેટકોમના માધ્યમ દ્વારા રાજ્યના આરોગ્ય કર્મીઓને આ સંદર્ભે રોજબરોજ માર્ગદર્શન-તાલીમ પણ આપવામાં આવી રહી છે.
સફદરગંજ હોસ્પિટલના નવી દિલ્હીના મેડિસીન વિભાગના પ્રો. નવંગે કહ્યું હતું કે, ગુજરાતમાં નોવેલ કોરોના વાઇરસ સામે સાવચેતીના ભાગરૂપે જરૂરી તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. હાલમાં આ વાયરસ સામે બી.જે.મેડિકલ કોલેજ અમદાવાદમાં 30 બેડની વ્યવસ્થા, આઇ.સી.યુ., વેન્ટીલેટર, જરૂરી માસ્કની સુવિધાની સાથે 24 કલાક તાલીમી તબીબી સ્ટાફ કાર્યરત છે. વિશ્વમાં કોરોના વાયરસના મહત્તમ 99 ટકા કેસ માત્ર ચાઇનામાં છે. તેમાં પણ સૌથી વધુ 91 ટકા કેસ ચાઇનાના વુહાન વિસ્તારમાં છે. આ વાયરસમાં મૃત્યુનો દર અત્યાર સુધીમાં માત્ર 2 ટકા નોંધાયો છે. એટલે કે દર 100 દર્દીઓએ માત્ર 2 દર્દીના મૃત્યુ થયા છે. ભારતમાં માત્ર 3 દર્દી હાલ કેરળમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે.
આ અંગે ડૉ. મનિષા જૈને કહ્યું હતું કે, ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં તેનો ટેસ્ટ કરી શકે તેવી વ્યવસ્થા બી.જે.મેડિકલ કોલેજ અમદાવાદમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. આથી આ વાઇરસના સેમ્પલ ભવિષ્યમાં તપાસ માટે એન.આઇ.વી. પૂના ખાતે મોકલવાની આવશ્યકતા રહેશે નહીં. એન.આઇ.વી. પૂના દ્વારા આ પ્રકારના વાયરસની તપાસ થઇ શકે તે માટેની જરૂરી કીટ પણ ગુજરાતમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ડૉ.વિનય ગર્ગે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત સહિત 14 આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર વિદેશથી આવતા મુસાફરોની વાયરસ અંગેની તપાસ થઇ શકે તે હેતુથી તબીબી ટીમ નિરીક્ષણ માટે મોકલવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ ઉપર ગુજરાત સરકારે સ્ક્રીનિંગની પૂરતી સુવિધા ઉપલબ્ધ કરાવીને વિદેશમાંથી આવતા મુસાફરો માટે જરૂર જણાય તો 24 કલાક એમ્બ્યુલન્સની સુવિધા પણ કરી છે.