ગાંધીનગર: સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનારા કોરોના વાઇરસના કારણે રાજ્ય સરકારે પણ તમામ જાહેર કાર્યક્રમ રદ કર્યા છે, ત્યારે ગુરૂવારે ફાયર બ્રિગેડના વાહનોને પણ સચિવાલય સંકુલમાંથી જ ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું.
મુખ્યપ્રધાન રૂપાણીએ ફાયર બ્રિગેડના વાહનોને ફલેગ ઓફ કર્યા બાદ જણાવ્યું હતું કે, કોરોના વાઇરસના કારણે કાર્યક્રમો રદ કરીને સચિવાલય ખાતેથી જ ફાયર વિભાગના વાહનોને લીલી ઝંડી આપી છે. 45 જેટલા કોર્પોરેશનમાં 15 કરોડના ખર્ચે આ વાહન આપવામાં આવ્યા છે.
મુખ્યપ્રધાન રૂપાણીએ કયાં વાહનોનું લોકાર્પણ કર્યું
• શહેરી સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે નગરપાલિકાને નવા ફાયર વાહનો ફાળવ્યા
• 16 નગરપાલિકાને મીની ફાયર ફાઇટર વાન આપવામાં આવશે
• રીજીયોનલ ડાયરેક્ટર ઓફિસને 7 સ્કોર્પિયો કાર આપવામાં આવશે
• 22 નગરપાલિકાને ફાયર પિક અપ વાન આપવામાં આવશે
આ પ્રસંગે મુખ્યપ્રધાન રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આગ લાગવાના બનાવોને કારણે જાનહાની ઓછી થાય એટલા માટે પુરતા સાધનો આપવા સરકારે નિર્ણય લીધો છે. જેનો આપણે શુભારંભ કરી દીધો છે. સરકારે પાંચમી ઝોનમાં ફાયર ઓફિસરની નિમણૂક કરી છે. આ ઉપરાંત આસપાસના વિસ્તારમાં મિલકતને ઓછામાં ઓછું નુકસાન થાય એ માટેનો સરકારનો આ એક નવો અભિગમ અને પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.