ગાંધીનગરઃ છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. તેવામાં ગુજરાત વિધાનસભામાં બેરોજગારી અને આંકડાઓ અંગે પ્રશ્નોત્તરી દરમિયાન પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેના જવાબમાં સરકારે લેખિતમાં અમદાવાદ, ગાંધીનગર સહિત અન્ય 4 જિલ્લાના બેરોજગારીના આંકડા આપ્યા હતા. અહીં બેરોજગાર યુવાનોની સંખ્યા 50,000થી વધુ નોંધાયા છે.
આર્થિક પાટનગર અમદાવાદ-ગાંધીનગરમાં બેરોજગારીઃ કૉંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે અમદાવાદ અને ગાંધીનગર શહેર-જિલ્લાના શિક્ષિત અને શિક્ષિત રોજગારી બાબતના પ્રશ્ન કર્યો હતો, જેમાં છેલ્લા 2 વર્ષમાં 31 ડિસેમ્બર 2022ની પરિસ્થિતિએ કેટલા શિક્ષિત અને અર્ધશિક્ષિત બેરોજગારી નોંધાયેલા છે તેવો પ્રશ્ન કરાયો હતો. તેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લામાં 4,030 શિક્ષિત બેરોજગાર, 379 અર્ધશિક્ષિત, અમદાવાદ શહેરમાં 3,707 શિક્ષિત બેરોજગાર અને 1,205 અર્ધ બેરોજગાર નોંધાયા છે. જ્યારે ગાંધીનગર જિલ્લામાં 370 શિક્ષિત અને 617 અર્ધશિક્ષિત બેરોજગાર નોંધાયા છે. ઉપરાંત ગાંધીનગર શહેરમાં 2291 યુવાનો શિક્ષિત અને 114 અર્ધશિક્ષિત યુવાનો નોંધાયા છે.
છેલ્લા 2 વર્ષમાં આપવામાં રોજગારીઃ સરકારે રોજગારી આપવા બાબતે જણાવ્યું હતું કે, છેલ્લા 2 વર્ષમાં અમદાવાદ જિલ્લામાં વર્ષ 2021માં 3,704 અને વર્ષ 2022માં 5,616 યુવાનોને રોજગારી પ્રાપ્ત થઈ છે. અમદાવાદ શહેરમાં વર્ષ 2021માં 27,058 અને વર્ષ 2022માં 37,596 યુવાઓને રોજગારી આપવામાં આવી છે. જ્યારે ગાંધીનગર જિલ્લામાં વર્ષ 2021માં 3,682 યુવાનો, વર્ષ 2022માં 5,528 યુવાનો, ગાંધીનગર શહેરમાં વર્ષ 1,855 યુવાનો અને વર્ષ 2022માં 2,454 યુવાઓને રોજગારી પ્રાપ્ત થઈ છે.
6 જિલ્લામાં 50,000થી વધુ બેરોજગાર નોંધાયાઃ ગુજરાત વિધાનસભાની પ્રશ્નોત્તરી માં રાજ્યના 2 શહેર અને 4 જિલ્લામાં 55,000 થી વધુ યુવા બેરોજગાર નોધાયા છે. જેમાં સૌથી વધારે અમદાવાદ શહેરમાં 12,282 બેરોજગારો નોધાયા હતા.આમ સરકાર દ્વારા જિલ્લાના તાલુકા દિઠ બેરોજગારી ના આંકડા સાથે રોજગારીના આંકડા જાહેર કર્યા હતાં. જેમાં જૂનાગઢ જિલ્લામાં વર્ષ 2021માં 2338 યુવાનોને, વર્ષ 2022માં 2235 યુવાનોને, બનાસકાંઠા જિલ્લામાં 31 ડિસેમ્બર 2022 સુધીમાં કુલ 8902 યુવાનોને સરકાર દ્વારા રોજગારી પુરી પાડવામાં આવી છે.
કેન્દ્ર સરકારના સહસોમાં રોજગાર બાબતે ફરિયાદઃ કૉંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા પ્રશ્ન કર્યો હતો કે, કેન્દ્ર સરકારના જાહેર સાહસોમાં રાજ્યના 85 ટકા સ્થાનિકોને રોજગારી આપવાની જોગવાઈ બાબતે પ્રશ્ન કર્યો હતો, જેમાં છેલ્લા 2 વર્ષમાં ONGC, એરપોર્ટ ઑથોરિટી ઑફ ઈન્ડિયા, આઈઓસીમાં રાજ્યના સ્થાનિક અને 85 ટકા રોજગારી આપવાના પરિપત્રનું પાલન ન થતું હોય તેવી કેટલી ફરિયાદો આવી છે. તે બાબતે રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, 31 જાન્યુઆરી 2023ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં રાજ્ય સરકારને ફક્ત 2 જ ફરિયાદ મળી છે, જે મુજબ સરકારે જેતે સાહસોને સંબંધિત એકમને 31 માર્ચ 1995ના ઠરાવની જોગવાઈ તરફ ધ્યાન દોરતા પત્રો પણ પાઠવેલ છે. તેમ જ આ તમામ એકમોમાં સ્થાનિકોને નિયત ટકાવારી જાળવવામાં પડતી મુશ્કેલીની જાણકારી મેળવી તેનું નિરાકરણ કરવાની પણ જરૂરી માર્ગદર્શન અને સૂચના સહકાર દ્વારા આપવામાં આવી છે.