ગાંધીનગરઃ વર્તમાન પરિસ્થિતિમાં ગુજરાતના અનેક યુવાનો બેરોજગાર હોવાનું ગુજરાત વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં સામે આવ્યું હતું. કૉંગ્રેસના ધારાસભ્યોએ કરેલા પ્રશ્નોમાં રાજ્ય સરકારે 31 જિલ્લાની વિગતો બહાર પાડી હતી, જેમાં 31 જિલ્લાઓમાં કુલ 2,70,922 જેટલા શિક્ષિત બેરોજગારો સહિત કુલ 2,83,140 બેરોજગાર યુવાઓની નોંધણી થઈ છે.
સૌથી વધુ બેરોજગાર યુવાનો વડોદરામાંઃ કૉંગ્રેસના ધારાસભ્યએ કરેલા પ્રશ્નના જવાબમાં સરકારે વિધાનસભામાં માહિતી આપી હતી. તેમાં વડોદરા જિલ્લામાં સૌથી વધુ શિક્ષિત બેરોજગારો 25,709 અને હવે શિક્ષિત 798 સહિત કુલ 26,509 યુવાનો બેરોજગાર હોવાનું સામે આવ્યું હતું. આ સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ બેરોજગાર જિલ્લો વડોદરા હોવાનું સામે આવ્યું છે. જ્યારે 10,000થી વધુ બેરોજગાર યુવાનો જૂનાગઢ, અમદાવાદ, અમરેલી, મહીસાગર, પંચમહાલ, આણંદ, ખેડા, રાજકોટ, મહેસાણા, દાહોદ, સુરત અને સુરેન્દ્રનગર જિલ્લામાં નોંધાયા છે.
ખાનગી કંપનીમાં રોજગારીઃ રાજ્ય સરકારે આંકડા પ્રમાણે, રાજ્યના 31 જિલ્લાઓમાં ખાનગી કંપનીઓમાં 4,70,444 યુવાઓને રોજગારી આપી હોવાનું પણ સામે આવ્યું છે. આમ, ગુજરાતમાં સરકારી નહીં, પરંતુ ખાનગી કંપનીમાં યુવાનોને રોજગારી આપી રહ્યા છે. જ્યારે સરકારમાં નોંધાયેલા બેરોજગારો યુવાઓમાંથી કેટલા યુવાઓને સરકારી રોજગારી આપવામાં આવી છે. તે બાબતની કોઈ વિગતો પૂરી પાડવામાં આવી નથી.
ખાનગી કંપની સ્થાનિકોને રોજગારી બાબતે નોટિસઃ રાજ્યમાં ખાનગી કંપનીઓમાં 85 ટકા સ્થાનિકોને રોજગારી આપવા બાબતનો નિયમ છે. ત્યારે જામજોધપુરના ધારાસભ્ય હેમંત આહિરે કચ્છ જિલ્લાની અદાણી ગૃપની કંપનીમાં સ્થાનિક રોજગાર બાબતે પ્રશ્ન કર્યો હતો. સાથે જ કૉંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે અમદાવાદ શહેર અને જિલ્લાના ઔદ્યોગિક એકમમાં સ્થાનિક રોજગાર બાબતે પ્રશ્ન કર્યો હતો, ત્યારે રાજ્ય સરકારે અદાણી કંપનીને પણ સ્થાનિક ટકાવારી રોજગારી નિયમ અંગેની જોગવાઈને ધ્યાન દોરતો પત્ર પાઠવ્યો છે.
ખાનગી કંપનીઓમાં 85 ટકા રોજગારીનું પાલન ન થતું હોવાનું સામે આવ્યુંઃ સાથે જ અમદાવાદ જિલ્લાની વર્ષ 2021 અને 2022માં 33 કંપનીઓને, જેમાં એરપોર્ટ ઑફ ઈન્ડિયા, સેન્ટ્રલ વેરહાઉસ, કોટન કૉર્પોરેશન ઑઈ ઈન્ડિયા, સુઝૂકી મોટર્સ, તાતા મોટર્સ ફૉર ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, હોન્ડા મોટરસાઈકલ, સ્ટિલ ઑથોરિટી ઑફ ઈન્ડિયા એરપોર્ટ ઑથોરિટી ઑફ ઈન્ડિયા જેવા મોટી કંપનીઓ 85 ટકા રોજગારીનું પાલન ન કરતું હોવાનું સામે આવ્યું છે. આ સંદર્ભે નાયબ નિયામક રોજગાર દ્વારા કંપનીઓ સાથે બેઠક યોજાઈ જોગવાઈનું પાલન વધારે સારું થઈ શકે તે માટે પણ જણાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.
હાર્દિક પટેલે CSR મુદ્દે સરકારને આપ્યું સૂચનઃ રોજગારી બાબતે વિધાનસભા ગ્રુપમાં ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે અમદાવાદ જિલ્લાની આસપાસ અનેક મોટી અને ખાનગી કંપનીઓ આવી છે ત્યારે ખાનગી કંપનીઓના સીએસઆર ફંડનો ઉપયોગ ગુજરાતમાં જ થાય તે બાબતે પણ સરકારને ધ્યાન દોર્યું હતું જ્યારે આ ખાનગી કંપનીઓ મુંબઈ દિલ્હી અને મોટા શહેરોમાં અથવા તો અન્ય રાજ્યમાં સીએસઆર નો ઉપયોગ કરી રહ્યા હોવાની વાત વિધાનસભા ગૃહમાં હાર્દિક પટેલ કરી હતી ત્યારે ઉદ્યોગપ્રધાન બળવંતસિંહ રાજપૂતે પણ જણાવ્યું હતું કે આ બાબતે એક રાજ્ય સરકાર હસ્તકની એક કમિટી છે તે જ આ નિર્ણય કરે છે.