ગાંધીનગર: રાજ્યસભાની બેઠક પર શુક્રવારે મતદાન યોજાવવાનું છે, ત્યારે કેન્દ્રીય ચૂંટણીપંચ અને રાજ્ય ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. જેમાં કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને ખાસ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે.
મળતી માહિતી પ્રમાણે, ધારાસભ્યોને આરોગ્ય વિભાગની ગાઇડલાઇન્સ પ્રમાણે મતદાન કરવા મોકલવામાં આવશે. જ્યારે કોઈ ધારાસભ્યના ટેમ્પરેચર નિયત કરતા વધુ આવશે તો તેમના માટે અલગ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મતદાન સવારના 9 કલાકથી સાંજના 4 કલાક સુધી થશે.
રાજ્યસભાની ચૂંટણીમાં બે ધારાસભ્યોએ મતદાન માટે સહાયકની પણ માંગણી કરી છે. જે બાબતે ચૂંટણીપંચ દ્વારા નિરીક્ષણ કર્યા બાદ બંને ધારાસભ્યોને સહાયક માટેની મંજૂરી આપવામાં આવી છે. આ ધારાસભ્યોમાં ગાંધીનગર દક્ષિણ ધારાસભ્ય શંભુજી ઠાકોર અને રાજયકક્ષાના પ્રધાન પુરસોત્તમ સોલંકી સહાયક સાથે મતદાન કરશે.
આમ, રાજ્યના ચૂંટણી પંચ દ્વારા રાજ્યસભાની ચૂંટણી બાબતે સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે. સવારે 9 કલાકથી સાંજના 4 કલાક સુધી મતદાન થયા બાદ ગણતરીના સમયમાં જ મતગણતરી હાથ ધરવામાં આવશે.