ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાઈરસના કેસ જે રીતે વધી રહ્યા છે તે રીતે રાજ્ય સરકાર પણ ચિંતિત લાગી રહી છે. આ સાથે જ જનતા કરફ્યૂ બાદ ફરીથી રસ્તા ઉપર જે રીતની લોકોની ભીડ દેખાઈ રહી હતી તે બાબતે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આક્રોશમાં જણાવ્યું હતું કે, 'જનતાને હજી ખબર નહી પડે પરંતુ દસ દિવસ પછીનો જે માહોલ હશે તે અત્યંત ગંભીર માહોલ હશે. જેથી અત્યારથી જ લોકોએ સાવચેતી રૂપે ઘરમાં રહેવું જોઈએ.'
તેમણે ઉમેર્યુ હતું કે, 'ગઈ કાલે જનતા કરફ્યૂમાં લોકોએ સારો સાથ સહકાર આપ્યો હતો. પરંતુ આજે વહેલી સવારથી જ લોકો પોતાની ઘરની બહાર નીકળી ગયા છે. ત્યારે મેં રાજ્યની પોલીસને પણ જાણ કરી છે કે જે લોકો વગર કામે નીકળે તેઓને ઘરમાં રાખવામાં આવે તો રસ્તાઓ ખાલી કરવામાં આવે. જેથી સંક્રમણને અટકાવી શકાય આ ઉપરાંત લોકોને હજી કોરોના વાયરસની ગંભીરતા નથી. પરંતુ જે રીતે ઈટાલી, સ્પેન અને જર્મનીમાં દિવસે પ્રતિ દિવસે કેસ વધી ગયા તેઓ ભારતમાં અને ગુજરાતમાં ન થાય તે માટે લોકોને રસ્તા ઉપરથી દૂર કરવામાં આવી રહ્યા છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હજી લોકો રસ્તા ઉપરથી દૂર નહીં થાય અને ઘરમાં નહીં રહે તો આવનારા 10 દિવસમાં અત્યંત ગંભીર પરિસ્થિતિ ઉદ્દભવ પણ થશે. જેથી મારી વિનંતી છે કે, લોકો ઘરમાં જ રહે. જ્યારે કોઈ પણ જીવન જરૂરિયાત વસ્તુઓની અછત નહીં સર્જાય તે બાબતે પણ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ બાંહેધરી આપી હતી.
વિધાનસભાનું સત્ર અને રાજ્યસભાની ચૂંટણી રદ કરવા બાબતે રૂપાણીએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા હજી સુધી રાજ્ય સભાની ચૂંટણી રદ કરવાની કોઈ પ્રકારની રજૂઆત કેન્દ્રમાં કરવામાં આવી નથી. આ સંપૂર્ણ હક કેન્દ્ર સરકારનો છે. જ્યારે વિધાનસભા સત્રને રદ કરવા બાબતે પણ વિજય રૂપાણીએ જવાબ આપ્યો હતો કે, એ આવનારા દિવસોમાં વિચારણા કરવામાં આવશે.