ગાંધીનગર: દેશના સૌપ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસિલ પાર્ક રૈયોલી ડાયનાસોર મ્યુઝિયમ ફેઝ-2નું મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ 26મી જૂને લોકાર્પણ કરશે. મહીસાગર જિલ્લાના બાલાસિનોર( Dinosaur fossils National Park)ખાતેથી 11 કિલોમીટરના અંતરે આવેલ રૈયોલીમાં દેશના સૌ પ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસીલ પાર્ક ખાતે રૂપિયા 16.50 કરોડના ખર્ચે તૈયાર થયેલ ડાયનાસોર મ્યુઝિયમ (Dinosaur Museum)ફેઝ 2માં અદ્યતન ટેકનોલોજીના આધારે મહાકાય ડાયનાસોરના ઉદ્દભવ અને નાશ સુધીના ઇતિહાસની જાણકારી મળી રહેશે.
આ પણ વાંચોઃ બાલાસિનોર: કોરોના સંક્રમણ ઘટતા ડાયનાસોર ફોસીલ પાર્ક ખુલ્લુ મૂકવામાં આવ્યું
ફોસિલ પાર્કમાં શું નવું - દેશ-વિદેશના પ્રવાસીઓ, સંશોધકો અને વૈજ્ઞાનિકો સહિત ફોસિલ પાર્કની મુલાકાતે આવતા શાળાના બાળકોથી માંડી ડાયનાસોરની સૃષ્ટિના અભ્યાસમાં રસ ધરાવતા તજજ્ઞો, પુરાતત્વવિદો, સંશોધકોને આ જીવાષ્મીની અનેક વાતો- ગાથાઓ જાણવા મળે તે માટે આ મ્યુઝીયમમાં 5-ડી થિયેટર, ડિજીટલ ફોરેસ્ટ, 360 ડિગ્રી વર્ચ્યુઅલ રિયાલીટી, એકસપેરીમેન્ટ લેબ, સેમી સકર્યુલેશન પ્રોજેકશન, મુડલાઇટ, 3-ડી પ્રોજેકશન મેપીંગ અને હોલોગ્રામ જેવી સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે.
કેટલાં રૂપિયાનો થયો ખર્ચ - રૈયોલીની મુલાકાતે આવતા પ્રવાસીઓ, સંશોધનકર્તા તથા પેલિયોન્ટોલોજિસ્ટને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તથા એક આકર્ષણનું કેન્દ્ર બની રહે તે હેતુથી ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા રૈયોલી-બાલાસિનોર ખાતે ભારત સરકારના પ્રવાસન વિભાગની રૂપિયા 345 લાખની અને રાજય સરકારની ગ્રાન્ટ મળી કુલ રૂપિયા 571.33 લાખના ખર્ચે વિવિધ સુવિધાઓ સાથે ટુરિસ્ટ ઇન્ફોર્મેટીક સેન્ટર, જ્યારે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા અગાઉ તૈયાર કરવામાં આવેલ ઇન્ટરપ્રીટેશન સેન્ટરની અંદર ડાયનાસોર માટેના મ્યુઝિયમ ફેઝ-1 રાજય સરકારની રૂપિયા 703.00 લાખની ગ્રાંટમાંથી તૈયાર કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ સ્વસહાય જૂથની બહેનોને ડાયનાસોર મ્યુઝિયમ ખાતે રોજગારીનો અવસર મળ્યો
ફોસિલ 1 ની વિશેષતા - રૈયોલી-બાલાસિનોરમાં તેયાર કરવામાં આવેલ મ્યુઝિયમ ફેઝ 1માં રીયલ સાઇઝ તથા સ્કેલ મુજબનો રાજાસ્વરસના ડાયનાસોરનું સ્ટેચ્યુ, સ્કેલડાઉન કરેલા વિવિધ 25 થી 30 ડાયનાસોરના સ્ટેચ્યુ, 3-ડી સ્ટીરિયો સ્કોપીક થિયેટર, વર્ચ્યુઅલ રિયાલિટી, 3-ડી પ્રોજેકશન મેપીંગ, ઇન્ટર એકટીવ ટચ સરફેસ, ગુજરાત, ભારત તથા દુનિયાભરના ડાયનાસોરની વિગત દર્શાવતા રૂમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, ડાયનાસોરના રીયલ દેખાતા ફોસિલ ડિસ્પ્લે રૂમ, ફાયર સેફટી સહિતની સેવાઓની સાથે હવે મ્યુઝિયમ ફેઝ-2માં તૈયાર કરવામાં આવેલ સુવિધાઓ હવે ડાયનાસોરની સૃષ્ટિમાં અને અભ્યાસમાં રસ ધરાવતા તજજ્ઞો માટે વિશાળ તકો ઉપલબ્ધ બનાવશે. ફોસીલ પાર્ક 1નું ઉદ્ઘાટન પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કર્યું હતું.
ડાયનાસોર જીવાશ્મિનો એક અદ્દભુત સંગ્રહ અહીં રૈયોલીમાં - આજે રૈયોલી-બાલાસિનોર ડાયનાસોર પ્રજાતિઓની ઉદ્દભવથી વિલુપ્તિ સુધીના વિજ્ઞાન અને ઇતિહાસની જાણકારી આપી રહ્યું છે જેના કારણે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા વિકસિત આ સ્થળ આજે વિશ્વ પ્રવાસન નકશામાં સ્થાન પામ્યું છે. ગુજરાતે દેશના પ્રવાસન ક્ષેત્રને ભારતના જૂરાસિક પાર્ક – રૈયોલીના ડાયનાસોર પાર્કની એક અમૂલ્ય ભેટ આપી છે. બીજી ખાસ નોંધવા જેવી બાબત એ છે કે, જિઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના મંતવ્ય પ્રમાણે ડાયનાસોર જીવાશ્મિનો એક અદ્દભુત સંગ્રહ અહીં રૈયોલીમાં છે.
ગુજરાતની વધુ એક અજાયબી બની - વિશ્વના અન્ય ભાગોમાં જે ડાયનાસોરના અવશેષો મળ્યાં છે. તેની તુલનામાં રૈયોલીમાં મળેલા જુદા જુદા પ્રકારના ડાયનાસોરના અવશેષો અતિ દુલર્ભ અને સંશોધન માટે મહત્વના છે જે 6.5 કરોડ વર્ષ જૂના આ અવશેષો હોવાનું મનાઇ રહ્યું છે. વિશાળકાય ડાયનાસોરના લગભગ 65 મિલિયન વર્ષના ઇતિહાસને રજૂ કરતો ભારતનો આ સૌપ્રથમ અને અદ્યતન ખોદકામથી પ્રદર્શન સુધીની ગાથા રજૂ કરતો રૈયોલીનો માહિતીસભર ડાયનાસોર પાર્ક, સ્ટેચ્યુ ઓફ યુનિટી પછી ગુજરાતની વધુ એક અજાયબી બની રહેશે અને વૈશ્વિક પ્રવાસનના નકશા પર ચમકનારો બની રહેશે.