- પશ્ચિમ દરિયા કિનારાના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
- પોરબંદર, જામનગર, જૂનાગઢમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ
- હજુ પણ આ ત્રણેય જિલ્લાઓ સહિત અનેક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા
- રાજ્યમાં 8 જુલાઇના રોજ પશ્ચિમ વિસ્તારના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
ગાંધીનગર : રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના પશ્ચિમ વિસ્તારના દરિયા કિનારાના જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો છે, ત્યારે પોરબંદર, જામનગર, જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ખૂબ સારો વરસાદ થયો છે.
વરસાદ બાબતે રાહત કમિશ્નર હર્ષદ પટેલે જણાવ્યું હતું કે સવાર સુધી રાજ્યનો જે સરેરાશ વરસાદ છે, તેના 25 ટકા કેટલો વરસાદ તમામ તાલુકામાં નોંધાયો છે. જ્યારે 15 તાલુકામાં 2થી 7 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે, 104 તાલુકામાં 120થી 150 એમ.એમ.જેટલો વરસાદ નોંધાયો છે, 65 તાલુકામાં 51થી 120 મીટર વરસાદ થયો છે. જ્યારે જામનગરના કાલાવડ જિલ્લામાં વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં પણ તમામ 33 જિલ્લામાં 224 તાલુકામાં વરસાદ પડયો છે.
જિલ્લાની વાત કરવામાં આવે તો જામનગર જિલ્લાના કાલાવડ 392 એમ.એમ. વરસાદ નોંધાયો છે, દ્વારકા ખંભાળિયા તાલુકામાં 235 મી.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકાના જે ડેમ આવેલા છે તે તમામ ડેમ 100 ટકા પૂર્ણ ભરાઈ ગયા છે. જેથી તેમને હાઇ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે. જ્યારે કેટલાક ડેમ છે જેમને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. જ્યારે ભારે વરસાદના કારણે રાજ્યમાંથી કુલ 1162 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હજુ 8 જુલાઈના રોજ પણ પશ્ચિમ વિસ્તારના દરિયાકાંઠાના અમુક જિલ્લાઓમાં હજુ અતિભારે વરસાદ પડવાની આગાહી રાજ્યના હવામાન વિભાગ અને ડિઝાસ્ટર વિભાગ દ્વારા આપવામાં આવી છે, ત્યારે તેને લઈને તમામ જિલ્લાઓમાં NDRFની ટીમ પણ સ્ટેન્ડ બાઈ રાખવામાં આવી છે.