બિન સચિવાલય પરીક્ષા અને વિવાદ જાણે કે એક બીજાના પર્યાય બની ગયા હોય એવી સ્થિતિ સર્જાઈ છે. થોડા દિવસ પહેલા લેવાયેલી પરિક્ષા દરમિયાન વિવાદ સર્જાયો હતો. જેમાં કેટલાક વિડીયો પણ વાયરલ થયા હતા.તો વોટ્સ એપમાં પ્રશ્નના જવાબો પણ વાયરલ થયા હતા. જેને લઈને હવે વિદ્યાર્થીઓએ ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અને ગાંધીનગર કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું અને રજુઆત કરી હતી કે, પરીક્ષા રદ કરવામાં આવે. પરીક્ષા ઓનલાઇન લેવામાં આવે કેટલાક સેન્ટર તો એવા હતા જેમાં સીસીટીવી કેમેરા પણ લગાવેલા ન હતા.તો સીસીટીવી કેમેરા લગાવેલા હોય એવા જ સેન્ટરમાં પરીક્ષા યોજવામાં આવે અને જો પરીક્ષા રદ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં હાઇકોર્ટના દ્વાર ખખડાવવામાં આવશે.
ગાંધીનગર ટાઉનહોલ પાસે આવેલા રાજ્ય ગ્રંથાલયમાં વાચન કરવા આવતા ઉમેદવારો આજે એકઠા થઈને પરીક્ષા રદ કરવાની માંગ કરી હતી. ત્યારે ઉમેદવાર અક્ષય વાઘેલાએ કહ્યું કે, ગૌણ સેવા મંડળ દ્વારા લૂલો બચાવ કરવામાં આવી રહ્યો છે. પરીક્ષાના પેપર ફૂટી ગયા હોવાના કારણે સીલ ખુલ્લા જોવા મળી રહ્યાં છે. જેને લઇને અનેક ઉમેદવારોને નુકસાન થવાની શક્યતા છે. ત્યારે આ પરીક્ષા રદ કરવાની અમારી માંગ છે. જો પરીક્ષા રદ કરવામાં નહીં આવે તો કોર્ટના દ્વાર ખખડાવવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી.