ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં ચોમાસા સત્ર દરમિયાન કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો. જેમાં ગુજરાત સરકારે વન વિભાગના આધુનિકીકરણ પાછળ 0.1 ટકા બજેટ પણ ફાળવ્યું નથી તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC) દ્વારા સેટેલાઈટથી ભૂમિ ઉપયોગ, ભૂમિ આવરણ (LAND USE LAND COVER - LULC) પર વિશ્લેષણ હાથ ધરવા માટે કોઈ બજેટ ખર્ચાયું નથી.
અભ્યારણમાં અતિક્રમણ થયુંઃ રાજ્યના પ્રતિબંધિત અભ્યારણમાં સરકારે ખેતી માટે જમીન ફાળવી દીધી હોવાની નોંધ પણ કેગના રિપોર્ટમાં છે. રાજ્યના અભ્યારણમાં અતિક્રમણ રોકવામાં વન વિભાગ નિષ્ફળ રહ્યું છે. જેમાં બાલારામ અને જેસોર અભ્યારણમાં કેગના રિપોર્ટ પ્રમાણે વન સંરક્ષણ અધિનિયમનો ભંગ કરીને અતિક્રમણની માહિતી રજૂ કરવામાં આવી છે. કેગ દ્વારા દર્શાવવામાં આવેલી વિગતોમાં અભ્યારણના સીમાંકનમાં મોટી ખામીઓ જોવા મળી છે. સીમાંકન માટે જે રેકોર્ડ તૈયાર કરવામાં આવ્યો અથવા રેકર્ડની જાળવણી કરવામાં વન વિભાગ દ્વારા બેદરકારી દાખવવામાં આવી છે. બાલારામ, અંબાજી અને જેસોર અભ્યારણ્યમાં ડબ્લ્યુ.પી.એ.ની કલમ 26A હેઠળ આખરી જાહેરનામુ હજુ બહાર પડાયું નથી. 2005 પછી કોઈ પણ નવી જમીનને ખેતી માટે મંજૂર કરી શકાય નહીં તેમ છતાં નવા વિસ્તારોને ખેતી માટે મંજૂરી અપાઈ છે.
પાડોશી રાજ્યો સાથે સંકલન નથી કર્યુઃ કેન્દ્ર સરકારના નિયમ મુજબ એક રાજ્યની સરહદ પાસે અભ્યારણ હોય ત્યારે પડોશી રાજ્ય સાથે સંકલન કરવું આવશ્યક છે. ગુજરાતની વન સરહદના પાડોશી રાજ્યો સાથે કોઈ પ્રકારની ચર્ચા કે વાટાઘાટો કરી હોવાનું સામે આવ્યું નથી. સરકારે ઝોનલ માસ્ટર પ્લાનિંગ સમયસર કર્યુ નથી. નિયત તારીખથી 12થી 94 મહિના વીતી ગયા છતાં 5 અભ્યારણના સંદર્ભમાં ઝોનલ માસ્ટર પ્લાન અધૂરા છે. અભ્યારણમાં ઈકો સેન્સિટિવ ઝોનના જાહેરનામા છતાં જંગલમાં થતી ઈકો સેન્સિટિવ વિરુધ્ધની પ્રવૃતિ પર વન વિભાગના નિયંત્રણ લાવી શકી નથી.
અભ્યારણના કોરિડોર મુદ્દે વનવિભાગની બેદરકારીઃ રાજ્યમાં વન વિભાગ દ્વારા ચોક્કસ કોરિડોરને ઓળખવા માટે ન તો કોઈ અભ્યાસ હાથ ધર્યો, ન તો આ વન્યજીવોના કોરિડોરને આળખવા, રક્ષણ કરવા ઈસરો દ્વારા કરવામાં આવેલ વૈજ્ઞાનિક અભ્યાસના તારણો ધ્યાનમાં લીધા નથી. બાલારામ, અંબાજી અને જેસોર અભ્યારણના ઈકો સેન્સિટિવ ઝોનમાં કોરિડોરનું યોગ્ય વ્યવસ્થાપન કરવામાં વન વિભાગની બેદરકારી સામે આવી હતી.
14 વર્ષ વીત્યા પણ ચોક્કસ નીતિનો અભાવઃ જંગલ વિસ્તારમાં ચેક પોસ્ટ સ્થપાઈ નથી. કર્મચારીનો અભાવ વન્યજીવો માટે હાનિકારક છે. વનમાં ગેરકાયદેસર રીતે વૃક્ષો કપાઈ રહ્યા છે. વન્યજીવન વિસ્તારમાં પર્યાવરણ માટેની નીતિની જોગવાઇ ધ્યાનમાં રાખીને રાજ્ય પર્યાવરણીય પર્યટન નીતિ 2007 બનાવાઈ નહોતી. એફસીએ અને ડબ્લ્યુપીએના નિયમોનું ઉલ્લંઘન કરીને અભ્યારણમાં પર્યાવરણીય પર્યટન સ્થળ વિકસાવ્યામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકામાં 10 વર્ષ વીતી જવા છતાં વન વિભાગે કોઈ ડેટાબેઝ વિકસાવ્યો નથી.