ગાંધીનગર: દર બુધવારે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ પ્રધાન મંડળની કેબિનેટ બેઠક યોજાઈ છે. 28 જૂન બુધવારના રોજ સવારે 10:00 કલાકે કેબિનેટ બેઠક યોજવામાં આવશે. આ કેબિનેટ બેઠકમાં વાવાઝોડાના કારણે થયેલ નુકસાનીનો સર્વેનો રિપોર્ટ ઉપરાંત પ્રવેશોત્સવ દરમિયાન કયા પ્રકારની ખામીઓ સામે આવી છે તે બાબતની પણ ચર્ચા કરવામાં આવશે.
વાવાઝોડામાં થયેલ નુકશાન બાબતનો સર્વે: વાવાઝોડાની અસર પૂર્ણ થયા બાદ રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે વાવાઝોડાથી પ્રભાવિત આઠ જિલ્લાઓમાં સર્વેની શરૂઆત કરાવી હતી. જેમાં ગત અઠવાડિયે જ રાજ્ય સરકારે કાચા મકાનો પાકા મકાનો ઝૂંપડાઓને નુકસાન બાબતે આર્થિક સહાયની પણ જાહેરાત કરી છે. આ સહાય કેટલા લોકોને ચૂકવવામાં આવી છે અને હજી સુધી કેટલા લોકોને ચૂકવવાની બાકી છે તે અંગેના રિપોર્ટ રજુ કરવામાં આવશે. 89 ગ્રામ્ય વિસ્તારોમાં અઠવાડિયા સુધી વીજળી ન હતી ત્યારે હજુ કેટલા વિસ્તારોમાં વીજળી બાકી છે તે તમામ અહેવાલો કેબિનેટ બેઠકમાં મૂકવામાં આવશે.
પ્રવેશોત્સવનો વિસ્તૃત અહેવાલ: રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 12 થી 14 જૂન વચ્ચે રાજ્યના તમામ તાલુકા જિલ્લામાં અને ગ્રામ્ય કક્ષાએ પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યપ્રધાન પટેલ સ્પષ્ટ સૂચના આપી હતી કે માત્ર સારા કામનો નહીં પરંતુ ગ્રાઉન્ડની હકીકતનો રિપોર્ટ માંગ્યો હતો. હાલમાં રાજ્યમાં ખાન ખનીજ વિભાગના કમિશ્નર ધવલ પટેલના શિક્ષણને લઈને ઉઠાવેલા સવાલો અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
ચોમાસામાં રોગચાળો ફાટે નહીં તે માટે સૂચન: રાજ્યમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે અને અનેક જિલ્લાઓમાં વરસાદ પણ નોંધાયો છે. ચોમાસાની સિઝન દરમિયાન અને ચોમાસા બાદ રાજ્યમાં કોલેરા ડેન્ગ્યુ જેવા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફાટે નહીં તે માટે પણ કેબિનેટ બેઠકમાં આરોગ્ય વિભાગની કામગીરી અને આયોજન બાબતે ચર્ચા કરવામાં આવશે.