ગાંધીનગર : ગત અઠવાડિયે શાળા પ્રવેશોત્સવ અને વાવાઝોડાના કારણે કેબિનેટ બેઠક થઈ શકી ન હતી. ત્યારે આજે જ કેબિનેટ બેઠક યોજવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. સવારે 11:00 કલાકે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. જેમાં વાવાઝોડામાં થયેલ નુકસાન અને આવનારા ચોમાસાની તૈયારીઓ બાબતે ચર્ચા કરવામાં આવશે.
વાવાઝોડાથી નુકસાન : બિપરજોય વાવાઝોડું કચ્છ સહિત આઠ જિલ્લામાં ફરી વળ્યું હતું. જેના કારણે અનેક વિસ્તારોમાં પારાવાર નુકસાન થયું છે. શુક્રવાર સુધી ભારે પવન હોવાના કારણે સર્વે પણ થઈ શક્યો ન હતો. ત્યારે હવે આ આઠ જિલ્લામાં વાવાઝોડાથી થયેલ નુકસાન બાબતનો સર્વે કરવામાં આવશે. કેબિનેટ બેઠકમાં અંગે નિર્ણય કરવામાં આવે તેવી શક્યતા છે. તાત્કાલિક ધોરણે ચોમાસાની શરૂઆત થાય તે પહેલા લોકોને સહાય ચૂકવાઇ જાય તે રીતનું આયોજન કરવામાં આવશે.
પ્રિ-મોન્સુન કામગીરી: 22 તારીખે સત્તાવાર રીતે ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા અગાઉ પણ તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા તંત્ર સાથે મળીને પ્રિ-મોન્સુન કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ચોમાસાના પાણીનો નિકાલ અને કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ચોમાસાની સિઝનમાં ન સર્જાય તે બાબતનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે તાત્કાલિક ધોરણે બાકી રહેલા કામો પૂરા થાય અને લોકોને વરસાદી સિઝનમાં કોઈ તકલીફ ન પડે તેને ધ્યાનમાં લઈને પણ મહત્વના નિર્ણય આજની કેબિનેટ બેઠકમાં કરવામાં આવી શકે છે.
જગન્નાથ રથયાત્રાની તૈયારી : આવતીકાલે ગુજરાતની સૌથી મોટી રથયાત્રા એટલે કે અમદાવાદની જગન્નાથજીની રથયાત્રા તથા અન્ય શહેરોમાં પણ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બાબતે આજની કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. વડોદરામાં જે રીતની ઘટના બની હતી તેમ અમદાવાદ સહિતની અન્ય શહેરની રથયાત્રામાં કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે ખાસ આયોજન કર્યુ છે. કેબિનેટ બેઠકમાં આખરી આયોજનની સમીક્ષા પણ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવશે.