ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ આજે ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક મળી હતી. કેબિનેટ બેઠકમાં લોકસભાની ચૂંટણી અને દિવાળીના તહેવારને લઈને મહત્વના બે નિર્ણય કરવામાં આવ્યા છે જેની જાહેરાત સરકાર ટૂંક સમયમાં કરશે. પરંતુ મળતી માહિતી પ્રમાણે ગુજરાતના ફિક્સ પેના કર્મચારીઓ માટે પગાર વધારો અને બીપીએલ કાર્ડ ધારકોને મળે છે તેના કરતાં વધારાના અનાજ અને તેલનો જથ્થો આપવામાં આવશે.
'વર્ષ 2017માં રાજયના તત્કાલીન નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે 63 ટકાનો પગાર વધારો કર્યો હતો. જેમાં પગાર ડબલ થયા હતા. જેમાં હવે 30 ટકાનો પગારવધારો થાય તેવી શક્યતાઓ છે. ત્યારે હવે જો વધારો થાય તો ગ્રેડ પે પ્રમાણે કર્મચારીઓને ફાયદો થશે.' - ભારતેન્દુ રાજગોર, ફિક્સ પેના આગેવાન
ફિક્સ પેના કર્મચારીઓના પગાર વધશે ? ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી ફિક્સ પેના કર્મચારીઓ અવનવા આંદોલન કરીને સરકારને આવેદનપત્ર પાઠવી રહ્યા હતા. રક્ષાબંધનના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને પોસ્ટ મારફતે રાખડી મોકલીને ફિક્સ પ્રથા રદ કરવાની માંગ કરી હતી. હવે રાજ્ય સરકારે કર્મચારીઓના રોષને ધ્યાનમાં લઈને આજની કેબિનેટ બેઠકમાં ગુજરાતમાં ફિક્સ પેમાં કામ કરતા આશરે 70,000 જેટલા કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય કર્યો છે. તેમના પગારમાં આશરે 30 ટકાની આસપાસ વધારો કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે કેસ: રાજ્ય સરકારમાંથી મળતી માહિતી પ્રમાણે છેલ્લો ફિક્સ પેમાં પગાર વધારો વર્ષ 2017માં કરવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે છ વર્ષ પછી 30 ટકાની આસપાસમાં વધારો કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ફિક્સ પેના કર્મચારીઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં ફિક્સ પે રદ કરવા કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસ હજુ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિગ છે. ગઈકાલે જ સુપ્રીમ કોર્ટમાં દિવાળી પછીની મુદત પડી છે ત્યારે મળતી માહિતી પ્રમાણે સુપ્રીમ કોર્ટમાં કેસ હોય તો સરકારને વચગાળાના સુધારો કરવાનો અધિકાર છે.
BPL પરિવારોને મળશે વધારાનો જથ્થો: આજની બેઠકમાં ગરીબ અને BPL કાર્ડ ધારકો માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં દર વર્ષે એક લીટર જેટલું તેલ જ બીપીએલ કાર્ડ ધારકોને આપવામાં આવે છે પરંતુ આ વખતે બે લિટર જેટલું તેલ આપવામાં આવશે. આ અંગેની સત્તાવાર જાહેરાત રાજ્ય સરકારના પ્રધાન ઋષિકેશ પટેલ ચાર વાગ્યાની આસપાસ કરશે.