ગાંધીનગર: કલોલ તાલુકા હેલ્થ અધિકારી હર્ષદ પ્રજાપતિ દ્વારા અવારનવાર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ તબીબોને ઝડપી લેવામાં આવ્યા છે, ત્યારે ગુરુવારે રકનપુરમાં સર્ટિફિકેટ વિનાનો બોગસ તબીબ લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો હોવાની માહિતી મળી હતી. જે બાદ અધિકારીએ પોતાની ટીમ સાથે રેડ કરી હતી. જેમાં એક બોગસ તબીબને ઝડપી લેવામાં આવ્યો છે.
કલોલ તાલુકા હેલ્થ અધિકારી હર્ષદ પ્રજાપતિએ કહ્યું કે, રકનપુર ગામમાં હરિ ક્લિનિક ચાલી રહ્યું હતું. જ્યાં ગુરુવારે રેડ પાડવામાં આવી હતી. આરોગ્ય વિભાગના નિયમ વિરુદ્ધમાં ચાલી રહેલા ક્લિનિકમાં તબીબ તરીકે હિમેલ મંડળ નામનો શખ્સ સારવાર કરી રહ્યો હતો. જેની પાસે ડોક્ટરનું પ્રમાણપત્ર માંગતા હિમંતા મંડલનું જોવા મળ્યું હતું. જેને પૂછપરછ કરતાં ખબર પડી હતી કે, જેનું પ્રમાણપત્ર છે, તે કોલકાતામાં રહે છે. અહીં સારવાર કરતો શખ્સ તેનો નાનોભાઈ છે, ત્યારે તેની શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ છે. બીજી તરફ બાયોમેડીકલ વેસ્ટનો પણ યોગ્ય રીતે નિકાલ કરવામાં આવતો ન હતો. જેને લઇને ક્લિનિકને બંધ કરવામાં આવ્યું છે અને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.