ગાંધીનગર : ગુજરાત ભાજપમાં લોકસભાની ચૂંટણી પહેલા અનેક ફેરફાર થવાની સંભાવના છે. ત્યારે લોકસભાની ચૂંટણીનો માહોલ જામે તે પહેલાં જ દિગ્ગજ નેતાઓના રાજીનામા લેવાની અથવા તો રાજીનામા આપવાની હોડ જામી છે. પહેલા ભાજપ મહામંત્રી તરીકે પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા બાદ વધુ એક નેતાએ રાજીનામું આપ્યું છે. ભાજપ યુવા મોરચાના પ્રભારી તરીકે જવાબદારી નિભાવી રહેલા પંકજ ચૌધરીના રાજીનામાથી ફરી ચર્ચા શરુ થઈ છે.
યુવા મોરચાના પ્રભારી પંકજ ચૌધરી : આ અંંગે ETV BHARAT સાથે ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટે વાતચીત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, પંકજ ચૌધરીએ કેમ રાજીનામું આપ્યું એ મને ખબર નથી. પણ આ પક્ષને ખબર હશે. જ્યારે પંકજ ચૌધરી યુવા ભાજપ મોરચાના પ્રભારી તરીકેની જવાબદારી સંભાળતા હતા. તેઓ યુવા મોરચાની મહત્વની જવાબદારી સાંભળતા હતા. યુવા મોરચાને કેવી રીતે કામગીરી કરવી, ક્યાં કાર્યક્રમો કરવા, કોઈ મુશ્કેલી હોય તો એમાંથી કેવી રીતે નીકળી શકાય તે બાબતે જવાબદારી સંભાળતા હતા.
નેતા આઉટ ઓફ સંપર્ક : પંકજ ચૌધરીના રાજીનામા બાદ ETV BHARAT દ્વારા પંકજ ચૌધરીનો મોબાઈલ પર સંપર્ક કરવા બે વખત પ્રયાસ કરવામાં આવ્યા હતા. એક પ્રયાસ બપોરે 1:00 વાગ્યાની આસપાસ અને બીજો પ્રયાસ સાંજે 7:00 વાગ્યાની આસપાસ કર્યો હતો. પરંતુ બંને પ્રયાસમાં પંકજ ચૌધરીએ ફોન ઉપાડ્યો નહોતો. જેથી પંકજ ચૌધરીએ કયા કારણોસર રાજીનામું આપ્યું છે, તે હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.
રાજકીય ચર્ચા શરુ : અગાઉ પણ ગુજરાત ભાજપમાં અનેક રાજીનામા પડી ગયા હતા. સાત દિવસ બાદ પાંચ ઓગસ્ટે મહામંત્રી તરીકે પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામાની જાહેરાત થઈ હતી. ત્યારે પણ કોઈ જ કારણ સત્તાવાર બહાર આવ્યું નથી. આમ આવી જ બીજી ઘટના હવે પંકજ ચૌધરીના રાજીનામા સાથે બની છે. તેઓએ રાજીનામું તો આપી દીધું છે પરંતુ તેનો સ્વીકાર થયો છે કે નથી થયો તે બાબતની પણ માહિતી નથી. ઉપરાંત કયા કારણોસર રાજીનામું આપ્યું છે, તે બાબતે કોઈ જ પ્રકારની સ્પષ્ટતા પક્ષ દ્વારા કરવામાં આવી નથી.