ગાંધીનગર : બરોડા સાવલી વિધાનસભાના ધારાસભ્ય કેતન ઈમાનદાર પહેલા અપક્ષ તરીકે ચૂંટણી લડતા હતા. પરંતુ ત્યારબાદ તેઓએ ભાજપનો સંગ કર્યો હતો. ભાજપમાં તેઓએ વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભારે મતોથી વિજય મેળવ્યો હતો. પરંતુ કેતન ઈમાનદારની નારાજગીની જો વાત કરવામાં આવે તો કેતન ઈમાનદારે પોતાના પત્રમાં લખ્યું હતું કે, પોતાના વિસ્તારમાં અનેક સમયથી કામ બાકી છે. સરકારમાં અનેક રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ જ પ્રકારનું સાંભળવામાં આવતું નથી.
ઉલ્લેખનીય છે કે, કેતન ઇનામદારે પત્રમાં જણાવ્યું હતું કે, "મારા મત વિસ્તારમાં લોકોની કેટલીક મુખ્ય માંગણીઓ અને રજૂઆત સંદર્ભે સરકાર અને વહીવટી તંત્રના સંકલનના અભાવે તેમજ ઉદાસીનતાના કારણે સરકારના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ ધ્યાન આપતા નથી. પ્રજાના પ્રતિનિધિ અને સરકારના ઉચ્ચ અધિકારીઓ દરેક તબક્કે માન-સન્માન જાળવવાના ભોગે પ્રજાના પ્રતિનિધિ એવા ધારાસભ્યના પદ અને હોદ્દાની અવગણના કરે છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી અને સિદ્ધાંતોને વળગી રહીને અત્યાર સુધી પ્રજાલક્ષી કામ કરતો આવ્યો છું. પ્રજાના સેવક તરીકે અમુક બાબતોમાં સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં મંત્રીઓ અને સરકારના ઉચ્ચ અધિકારીઓ ધારાસભ્ય તરીકે મારી અને મારા સાથી ધારાસભ્યોની પણ અવગણના કરે છે. તે દુઃખની બાબત છે. આમ પ્રજાના હિતોને ધ્યાનમાં રાખીને હું કેતન મહેન્દ્રભાઈ ઈનામદાર સાવલી વિધાનસભા ધારાસભ્ય પદ પરથી પ્રજાના હિતમાં રાજીનામું આપું છું."
સાવલી વિધાનસભાના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપ્યા બાદ રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, કેતન ઈનામદારે જે કર્યું છે. તેમાં તેમને મનાવવામાં આવશે અને તેઓ માની પણ જશે. જ્યારે રાજ્ય સરકાર તમામ ધારાસભ્ય અને લોકોનું કામ કરે જ છે.
ઉલ્લેખનીય છે કે, ભાજપના ધારાસભ્યએ રાજીનામું આપતાં જ કોંગ્રેસના ધારાસભ્ય નવસાદ સોલંકીએ સરકાર પર આક્ષેપ કર્યા હતા કે, "રાજ્યની સરકાર ફક્ત બે કે ત્રણ વ્યક્તિના ઈશારે જ ચાલે છે. તેમના પ્રમાણે જ કામ કરવામાં આવે છે. કોઈપણ ધારાસભ્યના કામ કરવામાં આવતા નથી. ત્યારે જે વાસ્તવિકતા છે તે હવે બહાર આવી છે."