ગાંધીનગર : ગુજરાતના દરિયા કિનારે બિપરજોય નામનું વાવાઝોડું ત્રાટકવાની શકયતાઓ છે ત્યારે આજે રાજયના મુખ્ય સચિવ રાજકુમારે કોસ્ટલ જિલ્લાના કલેક્ટરો સાથે બેઠક કરી હતી. આજે સવારથી દોડધામમાં પડેલા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે લોકોના સ્થળાંતર બાબતના નિર્ણય કરવામાં આવ્યા હતા. જ્યારે વાવાઝોડા બાદ તાત્કાલિક ધોરણે પરિસ્થિતિ થાળે પડે તે માટે જરૂરી વિભાગને સૂચના આપી દીધી છે.
13 જૂનથી પ્રથમ તબક્કામાં દરિયા કિનારાથી 0 થી 5 કિ.મી. અને ત્યારબાદ 5 થી 10 કિ.મીના અંતરે વસતા લોકોને સલામત સ્થળે ખસેડાશે. જ્યારે વાવાઝોડા પ્રભાવિત જિલ્લાઓમાં NDRF-SDRF ની 12-12 ટીમો તહેનાત કરવામાં આવી છે. આલોક કુમાર પાંડેએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સંભવિત બિપરજોય વાવાઝોડાથી કોઇપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે...આલોક પાંડે(રાહત કમિશનર)
ક્યાં કેટલી ટીમ ગોઠવાઇ : ભારે પવન અને વરસાદથી લોકોને સલામત સ્થળે ખસેડવા વાવાઝોડા પ્રભાવિત જિલ્લાઓમાં NDRF-SDRFની 12 - 12 ટીમો તહેનાત કરાઇ છે તેમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદરમાં બે-બે, મોરબી, ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટમાં એક-એક જ્યારે વડોદરામાં બે અને ગાંધીનગરમાં NDRF ની એક ટીમ અનામત રખાઇ છે. આ જ રીતે SDRFની કુલ 12 ટીમમાંથી કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં બે-બે જ્યારે જૂનાગઢ, મોરબી, પોરબંદર,ગીર સોમનાથ, બનાસકાંઠા અને પાટણમાં એક-એક ટીમ તહેનાત કરાઇ છે.
125 કિલોમીટર ઝડપે ફૂંકાશે : પવન રાહત કમિશનર આલોક પાંડેએ જિલ્લા વહીવટી તંત્રની તૈયારી અંગે વિગતો આપતાં કહ્યું હતું કે ગુજરાતમાં ‘બિપરજોય’ વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાઓમાં તા. 14 અને 15 જૂનના રોજ ભારેથી અતિભારે વરસાદ અને અંદાજે 125 કિ.મી.થી વધુની ઝડપે પવન ફૂંકાશે. આવતીકાલે તારીખ 13 જૂનથી પ્રથમ તબક્કામાં દરિયા કિનારાથી 0 થી 5 કિ.મી. અને ત્યારબાદ 5 થી 10 કિ.મીના અંતરે વસતા લોકોને સલામત સ્થળે ખસેડાશે જેમાં બાળકો, ગર્ભવતી મહિલાઓ તેમજ વૃદ્ધોને પ્રાધાન્ય આપવામાં આવશે.
પીજીવીસીએલ : વાવાઝોડા બાદ વીજળી પુરવઠો પૂર્વવત કરવા પીજીવીસીએલની ટીમો દ્વારા વીજ પોલ સહિતનો જરૂરી જથ્થો સબ સ્ટેશનોમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. વાવાઝોડા બાદ પ્રભાવિત વિસ્તારમાં રસ્તા ખુલ્લા કરવા ટ્રી કટર સાથે વન વિભાગ અને જરૂરી સાધનો સાથે માર્ગ વિભાગની ટુકડીઓ સજ્જ કરવામાં આવી છે.
સરકારી શાળામાં શેલ્ટર હોમ શરૂ કરાશે : આલોક પાંડેએ વધુમાં જણાવ્યું હતું કે દરિયાકિનારાના પ્રભાવિત જિલ્લાઓમાં સરકારી શાળાઓ-કચેરીઓમાં સલામત સ્થળોએ શેલ્ટર હોમ તૈયાર કરવામાં આવ્યા છે તેમાં રહેવા, ખાવા-પીવા તેમજ દવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત નજીકના સ્થળોએ હેલ્થ સેન્ટર તેમજ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં તબીબી સ્ટાફ તેમજ દવા સહિતનો જરૂરી જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ વિસ્તારમાં આવતી રેલવેના અધિકારીઓ સાથે પણ જિલ્લા વહીવટી તંત્ર સતત સંપર્કમાં છે.
વાહન વ્યવહાર પણ બંધ કરવામાં આવશે : નાગરિકોની સલામતી માટે વાવાઝોડા પ્રભાવિત વિસ્તારમાં જ્યારે 60 કિમી. પ્રતિ કલાકથી વધુની ઝડપે પવન શરૂ થશે ત્યારે વાહન વ્યવહાર બંધ કરવામાં આવશે. વધુમાં કચ્છ જિલ્લામાં સંભવિત માંડવીથી જખૌ વચ્ચેનો વિસ્તાર જ્યાં વાવાઝોડું જમીન સાથે ટકરાશે તેવા કિનારાથી 0 થી 5 કિ.મી.માં આવતાં સૌથી વધુ પ્રભાવિત તમામ ગામોના લોકોને સલામત સ્થળે લઇ જવાની કામગીરી આજથી જ શરૂ કરવામાં આવી છે.
24,000 બોટ પરત : હવામાન વિભાગની વાવાઝોડા અંગેની આગોતરી જાણ બાદ માછીમારો સલામત રીતે પરત ફર્યા છે જ્યારે દરિયાકિનારે તમામ 24,000 બોટ સલામત સ્થળે પાર્ક કરવામાં આવી છે. બચાવ કાર્ય માટે સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને જરૂરી તમામ સહાય તાત્કાલિક પૂરી પાડવા રાજ્ય સરકાર સતત સંપર્કમાં છે.
- Cyclone Biparjoy : ગુજરાતમાં વાવાઝોડાને લઈને 80થી વધુ ટ્રેનો રદ, માત્ર અમુક ટ્રેનો જ દોડશે ધીમી ગતિએ
- Cyclone Biparjoy Alert : કેન્દ્રીય અધિકારીઓ દ્વારા બિપરજોય વાવાઝોડા અંગે સમીક્ષા, અન્ય રાજ્યમાંથી એનડીઆરએફ ટીમો બોલાવાઇ
- Cyclone Biparjoy: ચક્રવાતી બિપરજોયને ધ્યાનમાં રાખીને રાજકોટ રેલવે ડિવિઝન સતર્ક, હેલ્પલાઈન નંબર જારી કર્યા