ગાંધીનગર : ગુજરાતના દરિયાઈ પટ્ટીના જિલ્લાઓની ડિઝાસ્ટર મેનેજમેન્ટ સજ્જતાની સમીક્ષા કરતી બેઠકમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે પ્રધાનો અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાતકાંઠે તીવ્રતાથી ત્રાટકે તેવી સંભાવના હાલપૂરતી આછી થઇ છે તેમ છતાં વાવાઝોડાની સંભવિત અસર સામે જિલ્લા તંત્રવાહકો ઝીરો કેઝ્યુઆલિટીના એપ્રોચથી તૈયાર રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે,ૉ
સર્વગ્રાહી સમીક્ષા : સત્તાવાર સૂત્રો દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે કેન્દ્રીય હવામાન વિભાગની વખતોવખતની સૂચનાઓ મુજબ દરિયાકાંઠાના જિલ્લાઓ આગોતરા આયોજન કરે તેવી સૂચનાઓ પણ આપવામાં આવી રહી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દરિયાઈ પટ્ટીના જિલ્લાઓના જિલ્લા કલેક્ટરો સાથે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ યોજીને આપત્તિ વ્યવસ્થાપન અનેડિઝાસ્ટર મેનેજમેન્ટ સજ્જતાની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
ગુજરાત પર ટકરાવાની સંભવિતતા નહીવત્ : ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરો સામે ઝીરો કેઝ્યુઆલિટીના એપ્રોચથી બધા જ જિલ્લાઓએ કરેલા આયોજનની વિગતો સીએમે આ બેઠકમાં મેળવી હતી. ભારતીય હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક મોહંતીએ બેઠકમાં જણાવ્યું હતું કે પ્રવર્તમાન સ્થિતિએ આ બિપરજોય વાવાઝોડું પોરબંદરથી દૂર સ્થિત થયેલું છે, પરંતુ તેની ગુજરાત પર ટકરાવાની સંભવિતતા નહીવત છે.
કયા કયા મુદ્દા ધ્યાને લીધાં : સૂત્રો દ્વારા જણાવાયા મુજબ સીએમ ભૂપેન્દ્ર પટેલે દરિયાકાંઠાના 13 જિલ્લાઓ દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, જામનગર, સુરત, વલસાડ, નવસારી વગેરેમાં કલેક્ટરોને પૂરતી સતર્કતા અને તકેદારી રાખવા માર્ગદર્શન આપ્યું હતું. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવી, તેમ જ ફીશિંગ એક્ટિવિટી સંપૂર્ણ બંધ રહે તે માટેની કાળજી લેવી અને ભારે પવન ફૂંકાવાની શક્યતાઓને પગલે માર્ગો પર વીજથાંભલાઓ કે ઝાડ પડી જવા અને બેનર્સ કે હોર્ડિંગ્સથી અસર પડે તો તાત્કાલિક દૂરસ્તીકાર્ય માટે ટીમો તૈયાર કરવાની સમીક્ષા પણ બેઠકમાં કરવામાં આવી હતી.
સૂચનાઓનું પાલન જરુરી : મુખ્ય સચિવ રાજકુમારે જિલ્લા તંત્રવાહકોને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, કેન્દ્રીય હવામાન વિભાગના વખતોવખતના બુલેટિન અને સૂચનાઓનું સ્થાનિક સ્થિતિ મુજબ પાલન થાય તે જરૂરી છે. તેમણે રાજ્ય સરકારની મદદની જરૂર જણાય તો સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટરનો ત્વરાએ સંપર્ક કરવા પણ સૂચનાઓ આપી હતી. મુખ્યપ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કૈલાશનાથન સહિત વરિષ્ઠ સચિવો અને એનડીઆરએફ તથા એસડીઆરએફ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતાં.
Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડાની ભાવનગરમાં અસર, દરિયામાં 1થી દોઢ મીટર મોજા ઉછળી શકે છે
Cyclone Biparjoy: સંભવિત વાવાઝોડાને પહોંચી વળવા ગીર સોમનાથ વહીવટી તંત્રનો એક્શન પ્લાન