નવી દિલ્હી દ્વારા ફૂડ સેફ્ટી ઇન્ડેક્ષ હેઠળ ગુજરાત રાજ્યએ સારૂ પ્રદર્શન કર્યુ હતુ. જ્યારે ફુડના નિયત કરવામાં આવેલા વિવધ નિયમો અને માપદંડોના મૂલ્યાંકન કરવા ગુજરાત મોખરે રહ્યુ હતુ. સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યને ફૂડ સેફ્ટી ક્ષેત્રે અગ્રગણ્ય પ્રદર્શન કરવા બદલ ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયા નવી દિલ્હી તરફથી ગુજરાતને રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ તથા સન્માન પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. 1 એપ્રિલ 2018 થી 31 માર્ચ 2019 સુધીની સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્ષને લગતી કામગીરીના મૂલ્યાંકનના આધારે કમિશ્નર ઓફ ફૂડ સેફટી કચેરીને કામગીરી આધારિત ગુણાંકન આપવામાં આવ્યું હતું. જેમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી દ્વારા રાષ્ટ્રીય કક્ષાના એેવોર્ડ માટે ગુજરાતની પસંદગી થઇ હતી.
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ન્યુ દિલ્હી દ્વારા પ્રથમ ટેસ્ટ ફૂડ સેફટી ઈન્ડેક્ષ 2018-19 ની જાહેરાત કરવામાં આવી હતી. 7 જૂન 2019 ના રોજ પ્રથમ 'વર્લ્ડ ફૂડ સેફટી'ના દિવસે જાહેરાત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજનમાં તમામ રાજ્યો- કેન્દ્રશાસિત પ્રદેશોને વિવિધ માપદંડ મુજબ સિદ્ધિઓ રજૂ કરવાની હતી. માપદંડમાં માનવ સંસાધન અને સંસ્થાકીય માહિતી, પાલન, ખોરાક પરીક્ષણ- ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને દેખરેખ, તાલીમ અને ક્ષમતા નિર્માણ અને ગ્રાહક સશક્તિકરણ સહિતના ગુણવત્તાસભર મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમા સ્કોરિયમ પેરામીટરના આધારે કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.