આ બેઠકમાં નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલે એકના ડબલ કરવાના પ્રલોભનો આપીને લોકોને નાણા રોકાણ માટે આકર્ષીને લોકોના નાણા પડાવતી અને છેતરપિંડી કરતી લેભાગુ કંપનીઓથી દૂર રહેવા રાજ્યના નાગરિકોને અનુરોધ કર્યો છે. આ બેઠકમાં રીઝર્વ બેન્કના રીજીનલ ડિરેક્ટર જે. કે. દાસે આવી કંપનીઓ, પેઢીઓની ભાળ મળે તો લોકોએ તે પોલીસને કે રિઝર્વ બેન્કને તાત્કાલિક જાણ કરવા પણ જણાવ્યું છે.
આ બેઠકમાં રોકાણ સામે મોટું વળતર આપવા હથેળીમાં ચાંદ બતાવતી આદર્શ ક્રેડિટ કો-ઓપ સોસાયટી લિમિટેડ, મૈડોસ પ્લોટર્સ એન્ડ સ્ટ્રક્ચર્સ પ્રાઈવેટ લિમિટેડ, એમ. આર. એમ. કંપની,એસ. એસ. વી. વી. બ્રિન્ઝોટા ઇન્ડિયા લિમિટેડ, સ્પીતા ઇન્ડિયા લેન્ડ પ્રોજેક્ટ લિમિટેડ, સિદ્ધિ એન્ટરપ્રાઇઝ, ધનલક્ષ્મી પ્રાઇઝ સ્કીમ, જીવનસેવા કંપની પ્રાઈવેટ લિમિટેડ, ફિનોમેનલ હેલ્થ કેર સર્વિસ લિમિટેડ અને વેજલપોર પીપલ કૉ-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી જેવી લેભાગુ કંપનીઓ સામે થઇ રહેલી કાર્યવાહીની સમીક્ષા કરાઇ હતી.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આવી કંપનીઓ સામે 51 કેસ કરવામાં આવ્યા છે. ધ ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝીટર્સ એક્ટ અને પ્રાઇઝ ચીટસ એન્ડ મની સર્ક્યુલેશન સ્કીમ એક્ટ હેઠળ આ બેઠકમાં CIDના DGP આશિષ ભાટિયા, નાણા વિભાગના સચિવ મિલિન્દ તોરવણે સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.