ગાંધીનગરઃ અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરીને (Vipul Chaudhari Case) જેલમાંથી છોડાવવા માટે એના સમર્થકો તથા અર્બુદા સેનાના સભ્યો મેદાને પડ્યા છે. શુક્રવારે સવારે ગાંધીનગરમાં મસમોટું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં અર્બુદા સેના તરફથી જેલભરો (Arbuda Sena Gandhinagar protest) આંદોલન કરવામાં આવ્યું છે. જેમાં મહિલાઓએ પોસ્ટર પ્રદર્શન કર્યું હતું. જ્યારે અર્બુદા સેનાના સભ્યોએ ધરણા કાર્યક્રમ કરીને ક્લેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આ સાથે એવું પણ કહ્યું હતું કે વિપુલ ચૌધરીને ઝડપથી જેલમુક્ત કરવામાં આવે.
ચલો ગાંધીનગરઃ ગામેગામથી ગાંધીનગર આવવા માટે અર્બુદા સેનાએ એક કાર્યક્રમ કર્યો હતો. જેમાં જુદા જુદા જિલ્લામાંથી અર્બુદા સેનાના લોકોને ગાંધીનગર આવવા માટે અપીલ કરવામાં આવી હતી. વિપુલ ચૌધરીને ન્યાય મળે એ હેતુંથી ચલો ગાંધીનગર અભિયાન શરૂ કરાયું હતું. જેમાં યુવાનો તથા પશુપાલકો પણ જોડાયા છે. આ પહેલા સાબરકાંઠામાં અર્બુદા સેના તરફથી વિપુલ ચૌધરીને મુક્ત કરાવવા માટે સમર્થકો રસ્તા પર ઊતરી પડ્યા હતા.
ગાંધીનગરમાં અટકાયતઃ ગાંધીનગર પ્રદર્શન કરવા માટે પહોંચેલા તમામ સભ્યોની ગાંધીનગર પોલીસે અટકાયત કરી છે. પાટણમાં અર્બુદા સેનાના સભ્યોએ રસ્તા પર બેસી જઈને લાંબા સમય સુધી ચક્કાજામ કર્યો હતો. અર્બુદા સેનાનો આરોપ છે કે, ચૂંટણી વખતે રાજકીય કિન્નાખોરી રાખીને વિપુલ ચૌધરીને ખોટી રીતે જેલમાં પૂર્યાં છે.