ગાંધીનગરઃ રાજ્ય અને દેશમાં જ્યારે જ્યારે ચૂંટણીનો માહોલ સર્જાય છે ત્યારે કર્મચારીઓ પોતાની બાકી રહેલ માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરતા હોય છે. ગુજરાતમાં પણ વર્ષ 2005 પહેલા નિમણુક થયેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળે તેવી માંગણીઓ કર્મચારીઓ કરી રહ્યા છે. આ સિવાય ફિક્સ પગાર યોજના નાબૂદ કરવાની માંગણી પણ કરી છે.
જૂની પેન્શન યોજના અંગે માંગણીઃ ગત વર્ષે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી અગાઉ 1 એપ્રિલ 2005 પહેલા ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય તેવા અને સંપૂર્ણ હક સાથે નોકરી શરુ કરી હોય તેવા કર્મચારીઓએ જૂની પેન્શન યોજનામાં સમાવેશ માટે માંગણી કરી હતી. ગત વર્ષે સરકારના નાણાં વિભાગે આ માંગણી સ્વીકારી લીધી હતી. જો કે ફાઈલ હજુ મુખ્ય પ્રધાન કાર્યાલયમાં અંતિમ મંજૂરી માટે ક્યાંક અટવાઈ છે. જો સીએમઓમાંથી મંજૂરી મળે તો કર્મચારીઓની આ માંગણી સંતોષાય તેવું છે.
5 વર્ષના ફિક્સ સિસ્ટમના કર્મચારીઓની માંગણીઃ ગુજરાતમાં હજારોની સંખ્યામાં સરકારી કર્મચારીઓની નિમણુક 1 એપ્રિલ 2005 પહેલા થઈ હતી. તેમનો સમાવેશ જૂની પેન્શન સ્કીમને બદલે નવી પેન્શન સ્કીમ હેઠળ કરવામાં આવ્યો છે. વર્ષ 2022ના આંદોલન દરમિયાન રાજ્ય સરકારે નિમેલી કમિટીમાં પણ ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો. સરકારે આ ઠરાવ માન્ય રાખ્યો છે પણ હજૂ સુધી કોઈ નક્કર નિર્ણય લીધો નથી. જ્યારે અન્ય વિભાગોમાં જે કર્મચારીઓની 2005 પહેલા નિમણુક 5 વર્ષના ફિક્સ સમયગાળામાં કરવામાં આવી હતી. તેમનો 5 વર્ષનો સમય ગાળો પૂર્ણ થયા બાદ કાયમી કરવામાં આવ્યા હતા. જે દિવસથી તેઓ કાયમી થયા ત્યારથી જ નિમણુંક તારીખ લાગુ કરવામાં આવી છે.
01-04-2005ના રોજ જૂની પેન્શન યોજના રદ કરી સરકારે નવી પેન્શન યોજના જાહેર કરી. અમારી માંગણી છે કે 01-04-2005 પહેલા નિમણુક પામેલા પ્રાથમિક શિક્ષકો હોય કે અન્ય સરકારી કર્મચારી હોય તેમણે જૂની પેન્શન યોજનાનો લાભ મળવો જોઈએ. અમને સરકારે 2022માં બાંહેધરી આપી હતી પરંતુ હજૂ સુધી કોઈ નિર્ણય લીધો નથી. ફિક્સ પગાર યોજના નાબૂદી માટે પણ સરકારમાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે...સતીષ પટેલ(પ્રમુખ, કર્મચારી મહા મંડળ)