ગાંધીનગર : 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઇન્ડિયા અને પાકિસ્તાનની મેચ રમાવાની છે. ત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અનેક વીઆઈપી અને વીવીઆઈપી ગેસ્ટ પણ હાજરી આપવાના છે ત્યારે કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહનો સત્તાવાર કાર્યક્રમની જાહેરાત થઈ છે.તેઓ બે દિવસ ગુજરાતમાં રહેશે.
વિશ્વ કપની મેચમાં હાજરી આપી શકે અમિત શાહ કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ 14 અને 15 ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે 14 ઓક્ટોબરે બપોરના 12:00 વાગ્યાનો કાર્યક્રમ પૂર્ણ કરીને અમિત શાહ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇન્ડિયા પાકિસ્તાન વચ્ચે રમાનારી વિશ્વ કપની મેચમાં હાજરી આપે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે.
અમિત શાહનો સત્તાવાર કાર્યક્રમ જાહેર ગુજરાત ભાજપ દ્વારા અમિત શાહના સત્તાવાર કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ 14 ઓક્ટોબરના રોજ અમદાવાદના એસજી હાઇવે પર આવેલ ફંડ બ્લાસ્ટમાં આંગણવાડીના બાળકો માટેના મનોરંજન પ્રવાસમાં હાજરી આપશે. ત્યારબાદ સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે બપોરે બે કલાકની આસપાસ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇન્ડિયા પાકિસ્તાન મેચમાં પણ હાજરી આપી શકે છે.
અમિત શાહના 15 ઓક્ટોબરના કાર્યક્રમ અમિત શાહના કાર્યક્રમોમાં 15 તારીખના શિડ્યૂલ પ્રમાણે જોઇએ તો 1. નારણપુરા વિધાનસભાના ધારાસભ્ય જીતેન્દ્ર પટેલના જન સંપર્ક કાર્યાલયનો ઉદઘાટન સવારે 10:00 કલાકે કરશે. 2. દરિયાપુર વિધાનસભાના ધારાસભ્ય કૌશિક જૈનના જન સંપર્ક કાર્યાલયનું ઉદઘાટન સવારે 11 15 કલાકે કરશે. 3. ગાંધીનગર જિલ્લાના સમૌની પ્રાથમિક શાળાની બાજુમાં શહીદ સ્મારકનું લોકાર્પણ કરશે. 4. નવરાત્રી નિમિત્તે માણસામાં બહુચર માતાજીના મંદિર ખાતે દર્શન તેમજ આરતી સાંજે 7:00 કલાકે હાજર રહેશે. 5. મહાકાળી યુવક મંડળ આયોજિત શેરી ગરબા પ્રસંગે ગાંધીનગરના ઉનાવા ગ્રામ્ય વિસ્તારમાં સાંજે 9:00 કલાકે હાજરી આપશે અને 6. સહાય ફાઉન્ડેશન આયોજિત કેસરિયા ગરબા નવરાત્રી 2023માં ગાંધીનગરના રામકથા મેદાન ખાતે અમિત શાહ રાત્રે 10:00 કલાકે હાજર રહેશે.
પ્રથમ નવરાત્રીએ અમિત શાહ કુળદેવીના દર્શને : ગુજરાતના તત્કાલીન રાજ્યકક્ષાના અને હાલ દેશના કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ વર્ષોથી નવરાત્રીના સમય દરમિયાન તેમના કુળદેવી બહુચર માતાજીના દર્શને માણસા જાય છે. ત્યારે 15 ઓક્ટોબરે નવરાત્રીના પ્રથમ દિવસે જ કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન નવરાત્રી નિમિત્તે બહુચર માતાજીના મંદિર ખાતે દર્શન તેમજ આરતીમાં ભાગ લેશે.