ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા અમિત ચાવડાએ ગુજરાત સરકાર અને સંસ્કાર ધામ પર કરોડોના જમીન કૌભાંડનો આક્ષેપ કર્યો છે. અમિત ચાવડાના મતે કરોડોની જમીન પહેલા સંસ્કાર ધામને 99 વર્ષના ભાડા પટ્ટે અપાઈ ત્યારબાદ આ જમીન સંસ્કાર ધામ દ્વારા 2 ખાનગી કંપનીઓને વેચી દેવાઈ છે. અમતિ ચાવડાએ પ્રેસ કોન્ફરન્સમાં સંસ્કાર ધામ દ્વારા ઔડાને સંબોધીને લખેલો પત્ર પણ રજૂ કર્યો હતો. અમિત ચાવડાએ આ કૌભાંડની સત્વરે તપાસ કરી જમીન પરત લેવાય તેવી ઉગ્ર માંગણી કરી હતી.
સમગ્ર ઘટનાક્રમઃ અમદાવાદની ટીપી સ્કીમ 429માં મણિપુર ગામ પાસે 8693 ચોરસ મીટર જમીન ઈન્ટરનેશનલ સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનાવવા માટે સરકાર પાસેથી માંગવામાં આવી હતી. જુલાઈ 2022માં આ જમીન માંગવામાં આવી હતી. જુલાઈમાં જ ઔડા દ્વારા દરખાસ્તને મંજૂરી આપી દેવાઈ. ઔડાની કમિટી દ્વારા જમીનની કિંમત 244 કરોડ નક્કી કરવામાં આવી હતી. રાજ્ય સરકારે 1 ઓગસ્ટ 2022ના રોજ 50 ટકા રાહત આપીને જમીન આપી દેવાનો હુકમ કર્યો હતો. તેથી કુલ 122 કરોડમાં આ જમીન સોંપવાનું નક્કી થયું. આ જમીન 99 વર્ષના ભાડા પટ્ટે આપવાનું નક્કી થયું હતું.
ખાનગી કંપનીઓ વિશેઃ સંસ્કાર ધામને મળેલ આ જમીનની લીઝ ડીડ કરવાની હતી. જે સંસ્થા કરતી નથી. ઉલ્ટાનું સંસ્થાએ બે ખાનગી કંપનીઓને આ જમીન આપી દેવા માટે ઔડામાં લેટર પણ લખ્યો છે. આ ખાનગી કંપનીઓમાં બ્રાઈટ બાલ ગોકુલમ ફાઉન્ડેશન અને નૂતન નિર્માતા ફાઉન્ડેશનનો સમાવેશ થાય છે. આ બંને કંપનીઓ 9 મહિના પહેલા જ રજિસ્ટર થઈ છે તેમજ તેમની પેડ અપ કેપિટલ માત્ર 10,000 રુપિયા છે. આ આખા કૌભાંડની રાજ્ય સરકાર સત્વરે તપાસ કરીને જમીન પરત મેળવી લે તેવી માંગ અમિત ચાવડા કરી રહ્યા છે.
સંસ્કાર ધામ સાથે કોના હિતો સંકળાયેલા છે તે સૌ કોઈ જાણે છે. 122 કરોડ રુપિયાની માતબર રકમ જેટલી કિંમતની જમીન હોવા છતાં તેમાં લીઝ ડીડ કરવામાં આવી નથી. આ જમીન રાતો રાત ઊભી થયેલ કંપનીને આપવા માટે સંસ્કાર ધામ ઔડાને કાગળ પણ લખે છે. જેના પર ઔડા તરફથી કાર્યવાહી પણ શરુ થઈ જાય છે. તેનો સ્પષ્ટ મતલબ છે કે ડબલ એન્જિન સરકારના બંને એન્જિનની આમાં ભાગીદારી છે. ગુજરાતની પ્રજાના પરસેવાની કમાણીને નુકસાન થઈ રહ્યું છે...અમિત ચાવડા(નેતા, વિપક્ષ, ગાંધીનગર)