સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં આજે વાયુ વાવાઝોડું ત્રાટકવાની પૂરી સંભાવનાઓ છે. ત્યારે રાજ્યના ACS પંકજકુમારે માહિતી આપતા જણાવ્યું હતું કે, આખી દરિયાઇ પટ્ટીમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે. NDRFની 47 અને SDRFની 11 ટીમને તૈનાત કરાઇ છે. સાથે 383 એમ્બ્યુલન્સ પણ કાર્યરત કરવામાં આવી છે. તો સ્થળાંતરીત લોકોને માટે રાજકોટથી સવાલ લાખ ફૂડ પેકેટ રવાના કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી 5550 ગર્ભવતી મહિલાઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર પરિસ્થિતીનો અંદાજ આપતા જણાવે છે કે, વાવાઝોડાની અસર રાજ્યના 26 જિલ્લાઓમાં થવાની શક્યતાઓ છે. વાવાઝોડુ વેરાવળથી 110 કિલોમીટર સાઉથવેસ્ટ પોરબંદર 110 કી.મી દૂર છે. પવનની ગતિ 135થી 140 કિલોમીટરની રહેવાની શક્યતાઓ જોવા મળી રહે છે. જ્યારે વાવાઝોડાનો વ્યાપ 900 કિલોમીટરનો છે.
અમરેલી સહિતના તમામ દરિયાઈ વિસ્તારમાં 10 ઇંચ વરસાદ થવાની પણ શક્યતા નકારી નહોતી. તો કુદરતી અસ્ક્યામતોની માહિતી મેળવવા અર્થે કોમ્યુનિકેશન માટે લેન્ડલાઈન, મોબાઈલ ,રેડિયો અને ઇન્ટરનેટ જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
રાજ્યના મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ કંટ્રોલ રૂમની મુલાકાતે આવ્યા હતા. ત્યારે તેમણે કહ્યું હતું કે, સરકાર દ્વારા વાવાઝોડાને લઈને તમામ પ્રકારની તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. ઓછામાં ઓછું નુકસાન થાય એ પ્રમાણેની કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં વાવાઝોડું ગુજરાત માટે સંકટ સમાન છે, ત્યારે નાગરિકોને જાનમાલને નુકસાન ન થાય તે માટેના સરકાર દ્વારા પગલાં ભરવામાં આવી રહ્યા છે. NDRF, પોલીસ અને એમ્બ્યુલન્સ સહિતની વિવિધ ટીમો કાર્યરત કરવામાં આવી છે.