- 33 હજારથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો
- અન્ય 4 શખ્સોને પકડવાની તજવીજ હાથ ધરાઈ
- જુગારીઓ સામે પોલીસની લાલ આંખ
ગાંધીનગર : મનપા વિસ્તારમાં વારંવાર જુગારની પ્રવૃત્તિઓને અટકાવવા માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરી જુગાર રમતા જુગારીઓને પકડવાની કવાયત હાથ ધરવામાં આવી છે, ત્યારે રાણજીપુરા ઉવારસદ ખાતે બંધ રૂમમાં ચાલતા જુગારને અટકાવવા રેડ કરી પોલીસે છે. જુગારીઓને રંગે હાથે પકડી પાડ્યા હતા. પોલીસે 33 હજારથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો.
આ પણ વાંચો : પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી કોંગ્રેસે ગાંધીનગરમાં ધરણા કરી વિરોધ પ્રદર્શન કર્યું, પોલીસે કરી અટકાયત
ભરતજી પોતાના મકાનના અંગત ફાયદા માટે તીન પત્તીનો હારજીતનો જુગાર રમાડતા હતા
રાણજીપુરા ઉવારસદ ગામમાં રહેતા ભરતજી ઉર્ફે કાળાજી લાલાજી ઠાકોર કેટલાક માણસોને ભેગા કરી પોતાના મકાનના બીજા માળે આવેલા રૂમમાં પોતાના અંગત ફાયદા માટે તીન પત્તીનો હારજીતનો જુગાર રમાડતા હતા. જે મકાનમાં જુગારની રેડ કરવામાં આવી, ત્યારે પ્રવેશતા 6 આરોપીઓ ઝડપાયા હતા. જેમાં અશોકજી ટીનાજી ઠાકોર, મહેશજી ઠાકોર, કલ્પેશ ઠાકોર, અરવિંદ ઉર્ફે પરેશ ઠાકોર, મેલાજી ઠાકોર, જગદીશ ઠાકોરની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ પકડાયેલા જુગારીઓમાંથી મોટા ભાગના રાણજીપુરાના જ શખ્સો છે. જ્યારે બાકીના પુન્દ્રાસણના શખ્સો શામેલ છે.
આ પણ વાંચો : ઉદયપુરની ઉદયબાગ હોટેલમાં ગુજરાતીઓનું હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું
પોલીસે અન્ય ચાર શખ્સોને પકડવા ચક્રો ગતિમાન કર્યા
ભરતજી ઉર્ફે કળાજી ઠાકોર, ભુપતજી ઠાકોર, બકાજી ઠાકોર, પ્રવીણ કમસી ઠાકોર આ ચારેય રાણજીપુરા ઉવારસદના રહેવાસી છે. જેમને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા તેમજ પોલીસ અધિક્ષક મયુર ચાવડા તેમજ પોલીસ અધિક્ષક વી.એન.સોલંકી દ્વારા ગાંધીનગર જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા સુચના આપી છે. જેથી અડાલજ પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસોએ ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કર્યું હતું. એ દરમિયાન બાતમીના આધારે રાણજીપુરા રેડ કરતાં 6 શખ્સો પકડાયા હતા.