ગાંધીનગર: ગુજરાતના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ થોડા દિવસ પહેલા રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ગુજરાતના તમામ ધારાસભ્યો, સાંસદ સભ્યો અને ઉચ્ચ અધિકારીઓ પોતાની આવક અને સંપત્તિની એફિડેવિટ કરીને જાહેરાત કરી તેવી માંગ કરી હતી.
'ધારાસભ્ય બન્યા બાદ મારી આવકમાં ઘટાડો થયો છે કારણ કે પહેલા હું કન્સ્ટ્રક્શન કંપની ચલાવતો હતો. પરંતુ બોટાદની જનતાએ મને ધારાસભ્ય તરીકે મેન્ડેડ આપ્યો ત્યારથી આ કંપની બંધ કરી દીધી છે. હવે હું કોઈપણ પ્રકારના કોન્ટ્રાક્ટ અથવા તો કન્સ્ટ્રક્શન કંપની ચલાવતો નથી જેથી મારી આવકમાં ઘટાડો થયો છે.' - ઉમેશ મકવાણા (આપ MLA, બોટાદ વિધાનસભા ધારાસભ્ય
એફિડેવિટ CM સમક્ષ રજૂ કરશે: ઉમેશ મકવાણાએ પોતાની એફિડેવિટ જાહેર કર્યા બાદ ગુજરાતના તમામ ધારાસભ્યો અને સાંસદ સભ્યો એફિડેવિટ જાહેર કરે તેવી પણ માંગ કરી હતી. આ ઉપરાંત જો આવું થશે તો ભ્રષ્ટાચારમાં ઘટાડો થશે અને નાણાંનો ગુજરાત અને દેશમાં સારી જગ્યાએ ઉપયોગ પણ થઈ શકશે. આ ફરજિયાત નથી પરંતુ પોતાની રીતે ધારાસભ્યોએ એફિડેવિટ જાહેર કરે તેવી માંગ આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ કરી હતી. આ જાહેર કરેલી એફિડેવિટ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સમક્ષ પણ રજૂ કરવામાં આવશે.
પંજાબ અને દિલ્હી સરકારને રજૂઆત કરાશે: બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ વધુમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં આવી જાહેરાત કોઈપણ ધારાસભ્યોએ કરી નથી. ત્યારે ગુજરાતમાં જો આવું થાય તો ગુજરાત માટે સારું રહેશે. ઉપરાંત આમ આદમી પાર્ટીની પંજાબ અને દિલ્હીમાં પણ સરકાર છે જેથી પંજાબ અને દિલ્હીની સરકારને પણ હું વિનંતી ભર્યો પત્ર લખીને પંજાબ અને દિલ્હીના તમામ ધારાસભ્યો અને સાંસદ સભ્યો પણ દર વર્ષે પોતાની આવક અને સંપત્તિની એફિડેવિટ જાહેર કરે તેવી માંગ કરીશ.