ગાંધીનગર: કોંગ્રેસના ધારાસભ્યએ વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન રોજગારી મુદ્દે અનેક પ્રશ્નો કર્યા હતા. જેમાં રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 4.58 લાખ બેરોજગાર યુવાનો છે. જેમાંથી ફક્ત 2230 જેટલા લોકોને જ સરકારી નોકરી મળી છે. ઉપરાંત છેલ્લા બે વર્ષમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હોમટાઉન રાજકોટમાં એક પણ યુવાનને સરકારી નોકરી પ્રાપ્ત થઇ નથી.
સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ સરકારી આંકડા પ્રમાણે રાજ્યના કુલ 33 જિલ્લામાંથી 4,34,663 જેટલા શિક્ષિત બેરોજગારો નોંધાયેલ છે. જ્યારે 23,433 યુવાનો અર્ધશિક્ષિત બેરોજગાર સરકારના ચોપડે નોંધવામાં આવ્યા છે. જ્યારે સરકારે કોંગ્રેસના જવાબમાં ખાનગી નોકરીમાં રોજગારી બાબતે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં સરકારે ખાનગી ક્ષેત્રોમાં કુલ 7,32,139 જેટલા યુવાનોને રોજગારી પૂરી પાડવામાં આવી છે. જ્યારે 230 જેટલા યુવાનોને સરકારી નોકરી આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, સૌથી વધુ બેરોજગારની સંખ્યામાં વાત કરવામાં આવે તો રોજગાર કચેરીમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 42,975 બેરોજગાર નોંધાયા છે. જ્યારે સૌથી ઓછા ડાંગ જિલ્લામાં 3135 બેરોજગાર નોંધાયા છે. જ્યારે રાજ્યના 14 જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં એક પણ યુવાનોને સરકારી નોકરી પ્રાપ્ત થઈ શકી નથી. જ્યારે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સૌથી વધુ 329 યુવાનોને સરકારી નોકરી પ્રાપ્ત થઈ છે.