તાજેતરમાં મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેની 109મી જન્મ જયંતિની ઉજવણી હિન્દુ મહાસભા દ્વારા કરવામાં આવી હતી. આ ઘટનાને સમગ્ર દેશવાસીઓએ વખોડતા અંતે રાજ્ય સરકારે પણ સજાગતા બતાવવી પડી છે. આજે રાજ્ય સરકારમાંથી ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાત એ પૂજ્ય બાપુની જન્મભૂમિ છે. ત્યારે તેમની પ્રતિષ્ઠાને ઠેસ ન પહોંચે તે મુદ્દે રાજ્ય સરકાર ચિંતા કરી રહી છે.
ગોડસેના નામે ગુજરાતની શાંતિ હણાય નહીં તથા ગુજરાતીઓની લાગણી દુભાય નહીં તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. સુરત ખાતે ગોડસેના જન્મદિવસની ઉજવણીને રાજ્ય સરકારે કડક શબ્દોમાં વખોડી કાઢી છે.
પ્રદીપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, ગાંધીના ગુજરાતમાં તેમના વિરુધ્ધની પ્રવૃતિઓ સાંખી લેવાશે નહીં. ગુજરાતમાં આ પ્રકારની કોઈપણ પ્રવૃતિઓ ચલાવી લેવાશે નહી. સુરતની ઘટનામાં પણ જરુરી કાર્યવાહી માટે સુરત પોલીસ કમિશ્નરને સૂચના આપી દેવાઈ છે. સુરત પોલીસ કમિશ્નર દ્વારા નિયમભંગ ગુના માટે ગુનો દાખલ કરીને FIR દાખલ થઈ છે. તેમજ ગોડસેની જન્મ જયંતિમાં શામેલ તમામ 8 લોકોની અટકાયત પણ કરવામાં આવી છે.