અમદાવાદ: શહેરમાં કોરોના વાઇરસ પોઝિટિવના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે અમદાવાદમાં કોરોનાને કારણે મોતના આંકડામાં પણ વધારો થઇ રહ્યો છે. જેથી મોતના આંકડા ઘટાડવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલે રાજ્યના મોટા શહેરોમાંથી 47 જેટલા વેન્ટિલેટરો અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મંગાવ્યા છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોવિડ સેન્ટરમાંની અછત હોવાની વાત સતત સામે આવી રહી હતી, ત્યારે ETV BHARAT ના પ્રતિનિધી પાર્થ જાની સાથે સિવિલ હોસ્પિટલના ખાસ ફરજ પરના અધિકારી એમ પ્રભાકરે ટેલિફોનિક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, વેન્ટિલેટરની તકલીફ હતી અને સંખ્યા ઓછી હતી એટલા માટે રાજ્યના અન્ય મોટા શહેરો જેવા કે રાજકોટ, સુરત, બરોડા, જામનગરમાંથી વેન્ટિલેટર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મંગાવવામાં આવ્યા છે. વધુમાં કુલ 47 જેટલા વેન્ટિલેટરો મંગાવવામાં આવ્યા છે. જેથી હવે વેન્ટિલેટરની કોઈ જ પ્રકારની અછત નથી.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ, સુરત, બરોડા અને જામનગરમાંથી મંગાવવામાં આવેલા 47 જેટલા વેન્ટિલેટર હાઇ એન્ડ વેન્ટિલેટર છે. જેમાં દર્દીના બચવાના ચાન્સ વધુ હોય છે. ત્યારે હવે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ વેન્ટિલેટર આવતા હવે મોતનો આંક ઘટે તેવી પણ શક્યતાઓ દેખાઇ રહી છે.