ગાંધીનગર : કોરોના વાઈરસને કારણે કેન્દ્ર સરકાર દ્વારા સતત લોકડાઉન વધારવામાં આવી રહ્યું છે. જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો હજૂ 17 મે પછી પણ લોકડાઉન વધે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ત્યારે ગુજરાતમાં અન્ય રાજ્યના ફસાયેલા શ્રમિકો અને રહેવાસીઓને પોતાના રાજ્યમાં જવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જેના ભાગરૂપે શુક્રવારે ગુજરાતના 25 જિલ્લામાંથી 33 ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી છે.
ટ્રેન વ્યવસ્થા વિશે જાણકારી આપતા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અંગત સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, રાજ્યમાં કોઈ પણ શ્રમિક કે પરપ્રાતિય હેરાન નહીં થાય. તમામ લોકોએ પોતાના રાજ્યમાં મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી રાજ્યના 25 જિલ્લાઓમાંથી કુલ 33 ટ્રેનોની વ્યવસ્થા કરી છે. જે તમામ ટ્રેનો ઉત્તરપ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ઓરિસ્સા, ઝારખંડ તરફ ફ્લેગ ઓફ કરવામાં આવશે.
અશ્વિનીકુમારે વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં શુક્રવાર સાંજ સુધી કુલ 7 ટ્રેનો ઉત્તર પ્રદેશ તરફ જશે. જેમાંથી 5 ટ્રેન સાબરમતી સ્ટેશનથી અને 2 ટ્રેનો વિરમગામ જંકશનથી ફ્લેગ ઓફ કરવામાં આવશે, ઉપરાંત વડોદરાથી 3 ટ્રેન, સુરતથી 9 ટ્રેન અમરેલી, આણંદ, ભરૂચ, જામનગર, રાજકોટ તાપી, દાહોદ જિલ્લાથી એક-એક ટ્રેન, મોરબીથી 2 ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે કુલ 33 ટ્રેન સેવામાંથી 25 જેટલી ટ્રેન ઉત્તર પ્રદેશ જશે બાકીની 8 ટ્રેનો મધ્યપ્રદેશ, ઝારખંડ, ઓરિસ્સા તરફ જશે. જ્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 94 જેટલી ટ્રેનોમાં 1 લાખથી વધુ શ્રમિકોને પોતાના વતન રાજ્યમાં મોકલવામાં આવ્યા છે. જ્યાં સુધી શ્રમિકો હશે, ત્યાં સુધી આ વ્યવસ્થા યથાવત રાખવામાં આવશે.