આ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના CNG વાહન ચાલકોને સરળતાથી CNG ગેસ ઉપલબ્ધ થાય અને લાંબી લાઇનોમાં ઊભા રહેવું ન પડે તેવા ઉમદા હેતુથી ગુજરાતમાં મોટી સંખ્યામાં નવા CNG પંપ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જ્યારે હાલ CNG વાહન ચાલકોને CNG માટે ફિલીંગ સ્ટેશન- પંપ ઉપર લાઇનમાં ઊભા રહેવું પડે છે તેમાંથી મુક્તિ મળશે.
સમગ્ર ગુજરાતમાં બે વર્ષમાં 300થી વધારે નવા CNG સ્ટેશન ‘CNG સહભાગી યોજના’ અંતર્ગત રાજ્ય સરકાર હસ્તકની ગુજરાત ગેસ લિમિટેડ અને સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા સ્થાપવાનું આયોજન છે.
મુખ્યપ્રધાન રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કે, રાજ્યમાં હાલ જ્યાં પેટ્રોલ પંપ કાર્યરત હોય તેવા પેટ્રોલ પંપ ધારકો પણ સરળતાએ CNG પંપ શરૂ કરી શકશે. આ માટે તેમણે કોઇ વધારાની પરવાનગીઓ સરકારમાંથી લેવાની રહેશે નહીં.