મળતી માહિતી મુજબ કલોલના પૂર્વ રેલવે વિસ્તારમાં રહેતા પિતાએ કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમના ત્રણ સંતાન પૈકીનો સૌથી નાનો પુત્ર મહેશ (નામ બદલ્યું છે) કલોલમાં આવેલી શ્રીજી વિદ્યાલય ધોરણ 8માં અભ્યાસ કરે છે. જે ગત 17 જાન્યુઆરીના રોજ બપોરના ચાર વાગ્યાની આસપાસ હું આવું છું, કહીને ઘરેથી નીકળી ગયો હતો. જે બાદ તેના વિશે કોઇ જાણકારી મળી ન હતી. સગા સંબંધીઓ અને આસપાસમાં તપાસ કરતા જાણવા મળ્યું કે, શાળામાં જ શિક્ષિકા તરીકે ફરજ બજાવતી ભૂમિકાબેન (નામ બદલ્યું છે) સાથે પ્રેમ સંબંધ હતો.
શિક્ષિકાની તપાસ કરતા તે પણ પોતાના ઘરેથી ગુમ હોવાનું જાણવા મળ્યું હતું. શિક્ષિકાએ મહેશને ફોસલાવી લઇ ગઇ હોવાનું જાણવા મળતા કિશોરીના પિતા દ્વારા કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી શિક્ષક શાળામાં ભણતી વિદ્યાર્થિનીને લલચાવી ફસાવીને લઈ જવાના બનાવો સામે આવ્યા છે. પરંતુ જાણે ઘોર કળિયુગ ચાલતો હોય તેવી રીતે એક શિક્ષિકા સામે પોતાનાથી 12 વર્ષ નાના વિદ્યાર્થી સાથે પ્રેમ સંબંધ બાંધીને લઈ ગયાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતા આ બનાવને લઈને સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઇ છે.