ગાંધીનગર: ગણપત વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, વિકાસ માટે કયારેક અનિવાર્ય પણે વૃક્ષ છેદન કરવાની ફરજ પડે છે. જેના કારણે પર્યાવરણીય સંતુલન ખોરવાય તેવી સ્થિતિનું નિર્માણ થાય છે. આ સ્થિતિને નિવારવા માટે અને વૃક્ષ છેદન ઘટાડવા માટે વિકાસના કામો દરમ્યાન વૃક્ષોને મૂળ જગ્યાએથી સલામત રીતે ઉપાડી અન્ય યોગ્ય જગ્યાએ સ્થાપન કરવાના ઉમદા આશયથી રાજય સરકાર દ્વારા રૂપિયા બે કરોડ પચાસ લાખના ખર્ચે વોલ્વો કંપનીનું ટ્રી ટ્રાન્સ્પ્લાન્ટર યંત્રની ખરીદી કરવામાં આવી છે. આ યંત્ર થકી રાજયના અનેક વિસ્તારમાં સરળતાથી જઇ શકે તેવું છે.
વન બહારના વિસ્તારમાં વૃક્ષ વાવેતર અને ઉછેર માટે આપણું રાજય દેશભરમાં પાયોનિયર છે, રાજયમાં વર્ષ- 2004 ના સર્વે અનુસાર વન બહારના વિસ્તારમાં 25.10 કરોડ વૃક્ષો હતા, જે વર્ષ- 2017માં હાથ ધરવામાં આવેલા અભ્યાસ મુજબ 34.35 કરોડ થવા પામેલ છે. આમ વન બહારના વિસ્તારમાં વક્ષેાની સંખ્યા છેલ્લા 13 વર્ષમાં 37 ટકા જેટલો વધારો થયો છે.
અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ડી.કે. શર્માએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વ સહિત દેશમાં પર્યાવરણ અંગેની જાગૃતિ આવી રહી છે, ત્યારે વન વિભાગની જવાબદારી પણ વધી જાય છે. ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે વન મહોત્સવનો કાર્યક્રમ યોજીને 10 કરોડથી વધુ રોપાઓનું વિતરણ કરવામાં આવે છે.