ગાંધીનગર: ગુરુવારે કોરોના વાઇરસના મ્યુનિ. વિસ્તારમાં 11 કેસ નોંધાયા હતા. જેમાં હેડ કોન્સ્ટેબલ અને શિક્ષણ બોર્ડના 2 કર્મચારીઓ ચપેટમાં આવ્યા હતા.ગાંધીનગર મ્યુનિ. વિસ્તારમાં કોરોના વાઇરસના કુલ 678 દર્દી નોંધાયા છે. જેમાંથી 121 દર્દીઓ સારવાર હેઠળ છે. ચાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ઓગસ્ટમાં પ્રથમ વખત સૌથી ઓછા માત્ર 10 પોઝિટિવ કેસ નોંધાયા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, સે-8માં રહેતાં 68 વર્ષીય મહિલા અને સે-8ના 80 વર્ષીય વડીલ કોરોનાને ભોગ બન્યા છે. સે-26ની 58 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને આશ્કા હોસ્પિટલમાં, સે-5માં રહેતા અને નવા સચિવાલય ખાતે માર્ગ-મકાન વિભાગમાં ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે નોકરી કરતો 24 વર્ષીય યુવક સંક્રમિત થતાં તેને ગાંધીનગર સિવિલમાં દાખલ કરવામાં આવ્યો છે.
સે-29માં રહેતા અને જૂના સચિવાલય ખાતે પ્રાથમિક શિક્ષણ બોર્ડમાં ફરજ બજાવતા 32 વર્ષીય યુવક અને સે-10 ખાતે માધ્યમિક શિક્ષણ બોર્ડ ખાતે ફરજ બજાવતા 37 વર્ષીય પુરુષના કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેને હોમ આઈસોલેશનમાં રખવામાં આવ્યા છે. વેલ્ડર તરીકે કામ કરતા અને સે-13ના છાપરામાં રહેતા 33 વર્ષીય યુવક, સે-27માં રહેતા 50 વર્ષીય હેડ કોન્સ્ટેબલ અને સે-30માં રહેતા 30 વર્ષીય યુવકને કોરોનાની સારવાર માટે ગાંધીનગર સિવિલમાં દાખલ કરવામાં આવ્યો છે. સે-27માં રહેતા 77 વર્ષીય વડીલને કોરોનાએ ભરડો લેતાં તેમને ગાંધીનગર સિવિલમાં અને સે-12ની 36 વર્ષીય મહિલાને હોમ આઈસોલેશન હેઠળ સારવાર માટે રાખવામાં આવ્યા છે.
ગાંધીનગર તાલુકામાં 5, માણસામાં 3 અને કલોલ-દહેગામમાં એક-એક પોઝિટિવ કેસ નોંધાયો છે. આ અંગે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર ગાંધીનગર તાલુકામાં 3 સ્ત્રી સહિત 5 દર્દી નોંધાયા છે. તેમાં અડાલજમાં 34 વર્ષની યુવતી, કોટેશ્વરમાં 24 વર્ષની યુવતી અને સરગાસણમાં 42 વર્ષની મહિલા સંક્રમિત થઇ છે, જ્યારે ઝુંડાલમાં 20 વર્ષનો યુવાન અને પેથાપુરમાં 55 વર્ષના પુરૂષ દર્દીનો સમાવેશ થાય છે.
માણસા શહેરમાં 34 વર્ષનો યુવાન અને તાલુકાના પુંધરા ગામમાં 54 વર્ષના પુરૂષ તેમજ દેલવાડા ગામમાં 72 વર્ષના વૃદ્ધ દર્દી સાથે તાલુકામાં 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ઉપરાંત દહેગામ તાલુકાના નાંદોલ ગામમાં 48 વર્ષની સ્ત્રી અને કલોલ શહેરમાં 46 વર્ષના પુરૂષ દર્દી પોઝિટિવ આવ્યા છે. આમ કલોલ અને દહેગામ પંથકમાં માત્ર એક એક પોઝિટિવ કેસ નોંધાયો છે.
સત્તાવાર યાદી મુજબ, અત્યાર સુધીમાં કોરોનાના કુલ 687 દર્દી નોંધાયા છે. ગુરુવારે ચાર દર્દી સાજા થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે કુલ 542 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 121 દર્દી સારવાર હેઠળ છે. સારવાર દરમિયાન 15 દર્દીના મોત થયાં છે. સંક્રમિત દર્દીના સંપર્કમાં આવેલા 354 વ્યક્તિને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જેમાંથી 321 હોમ ક્વોરેન્ટાઈન અને 33ને સરકારી ફેસિલિટીમાં ક્વોરેન્ટાઈન રાખવામાં આવ્યા છે.
ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના કુલ સંખ્યા 1393 પહોચ્યો છે, જ્યારે ગાંધીનગરમાં 687 દર્દી સાથે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસ 2080 નોંધાયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હાલના તબક્કે જિલ્લાની વિવિધ હોસ્પિટલમાં 128 દર્દી સારવાર હેઠળ છે. તેમજ ગુરૂવારે વધુ 27 દર્દી કોરોના મુક્ત થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.