ગાંધીનગર: માર્ચ 2024 માં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે. ત્યારે ગત વર્ષે બોર્ડની પરીક્ષામાં જે કેન્દ્રમાં સૌથી વધુ ચોરીની ઘટનાઓ સામે આવી હતી તેવા 16 કેન્દ્ર બંધ કરવાનો નિર્ણય રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે આજે પરીક્ષા બોર્ડની મળેલ બેઠકમાં આ 16 કેન્દ્ર ફરીથી શરૂ કરવામાં આવે પરંતુ સ્ટાફ અન્ય શાળાના સ્ટાફની મદદથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા યોજાય તેવી સિદ્ધાંતિક મંજૂરી બોર્ડની સામાન્ય સભામાં નિર્ણય કરવામાં આવ્યો છે.
શિક્ષણ બોર્ડની ઓફિસ ખાતે સામાન્ય સભા મળી હતી. જેમાં પરીક્ષાના કારણે નામંજૂર થયેલ પરીક્ષા કેન્દ્રના સ્ટાફ બદલી પુનઃ શરૂ કરવામાં આવે તે બાબતનો પ્રસ્તાવ બોર્ડ સમક્ષ મૂકવામાં આવ્યો હતો. જેમાં બોર્ડ દ્વારા કેન્દ્રના ગુણદોષ જોઈ કેન્દ્ર શરૂ કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉપરાંત જિલ્લાની બોર્ડરે આવેલા કોઈ શાળાને નજીકના જિલ્લાનું પરીક્ષા કેન્દ્ર નજીક થતું હોય તો કેન્દ્ર મંજૂર કરવામાં પણ આવશે. - પ્રિયવદન કોરાટ (સભ્ય, શિક્ષણ બોર્ડ)
ગુજરાતમાં શાળા શરૂ કરવા માટે શૈક્ષણિક બોર્ડમાં અરજી કરવી પડે છે. આ વર્ષે 133 શાળાઓને સૈદ્ધાંતિક મંજૂરી શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં આવી હતી. જેનો નિર્ણય એપ્રિલ અને બે માસમાં કરવામાં આવ્યો હતો ત્યારે આ પૈકી 88 શાળાઓની દરખાસ્ત જિલ્લા મથકે જ પડતર હતી. જેમાં 30 દિવસમાં નિર્ણય કરવામાં આવ્યો ન હતો. ત્યારે આજની આ બોર્ડની બેઠકમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ 30 દિવસની અંદર જો ફાઈલ પાસ ન કરે તો તે ફાઇલને મંજૂરી મળ્યા બરાબર ગણાશે.
15 શાળાઓની ફાઈલ પડતર: ઉલ્લેખનીય છે કે શિક્ષણ બોર્ડ દ્વારા સિદ્ધાંતિક મંજૂરી પહેલા જ આપી દેવાની હોય છે. 30 દિવસની અંદર શિક્ષણ અધિકારી તે બાબતે મોનિટરીંગ કરતાં હોય છે પરંતુ જો હવે 30 દિવસનો સમય ગાળો પતી જશે તો શાળાને મંજૂરી મળી ગઈ હોવાનું ગણાશે. 88 શાળાઓ પૈકી ખાસ કરીને સુરત જિલ્લાની 16 શાળાઓને મંજૂરી આપવામાં આવી હતી જે પૈકી 15 શાળાઓની ફાઈલ પડતર છે.